ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 31 માર્ચ, 2018

कवि श्री दादनी रचना

।। જય શ્રિરામ।।*

        *।। છંદ।।*

ઊઠિયો કમર પીત કસ કસીય ,
લખમણ નિશિચર સામે ધસીય .
બોલિયો મુખથી જય જય રામ ,
આજ તો આમ નહીં કાં આમ .

હાલ્યો જ્યાં દંત દબાવી હોઠ ,
ખળભળ્યા લંક કાંગરા કોટ .
લીંધુ જ્યાં ધનુષ બાણ લખણેશ ,
રિપુમુખ ઢળી ગઈ ત્યાં મેશ .

થરથરી હ્રદે સુલોચના નાર ,
કરગરી કરીને હાહાકાર .
શ્યામ આ નહીં કંઈ કામ સહેલ ,
પિયુ છે ખરાખરીનો ખેલ .

મૂકી હઠ સ્વામી ઘર ભણી વળો ,
નકામું પુલશ્ય કુળ કાં દળો ?
દ્વાદશ વરસ આકરા જોગ ,
કિયો નહીં નારી નીંદરા ભોગ .

ઇન્દ્ર સમ નહીં, આ રામ અનુજ,
મોરસમ માનો કહિયું મુજ.
શરીર પર વેશ તપસ્વી જાણ ,
કરો મા નાહક તાણાવાણ .

ભ્રકુટી તનક પ્રથ્વી ભયભીત ,
ચળી જાય ત્રણે લોકનાં ચીત .
ડગમગે નાથ દશે દિકપાળ ,
સમંદર સહિત જાય પાતાળ .

લખણ બળ કરી બાત લખ બાર ,
નાઈ શિર પડી પદાંબુજ નાર .
સુણી નહીં નફટ કાન ઘનનાદ ,
કિયો ઈણે લખણ સામવો વાદ .

પેરીને કડી બગતરાં પોશ ,
અંગ પર ધરી આકરો રોશ .
કાળમુખ કરી ગયો હઠ કંથ ,
પરવર્યો પ્રલેકાળને પંથ .

કરીને લખણ સાથ પડકાર ,
શૂળ કર લઈ ધસ્યો તતકાળ .
લખણ જબ કિયો ધનુષટંકાર ,
ધ્રુવ ચળ ગ્યો નભ ધુંવાં ધાર .

કરી હઠ ઊઠ્યો અરી રો કાળ ,
ભુવન ચૌદહ કરી દઈ ભાળ .
દશે દિગ્ગજ દબાવ્યા દાંત ,
પૃથ્વીના તોય બંધ છૂટ જાત .

રવિના અસ્વ હાથ નવ રિયા ,
ગતાબોળ થઈ આથમી ગયા .
ખડેડી મેરુ મૂળથી ખસ્યો ,
ધડો ના રહ્યો સમંદર ધસ્યો .

ભૂલી ગ્યો શેષ રાખવું ભાન .
અબળાનાં સ્રવી ગયાં ઓધાન .
તપસ્વી ગયા આજ તપ છોડ ,
જુવે લખણેશ રાર કર જોડ .

નાહરો આજ હાથ ના રિયો ,
ભવાં સંગ મૂકી ભાગી ગિયો .
સરિતા વહેણનાં સવળાંય ,
આડાં અવળાં ગ્યાં ફંટાય .

વાનરા ચડ્યા ડાળની ટોચ ,
સુકાયાં ગળાં ને પડિયા શોષ .
હનુ સુગ્રીવ હિય હરખાય ,
ભડેવા લગ્યો રામ રો ભાય .

મેનકા ઉવર્શી મલકાય ,
ઝાંઝર છૂટી પગનાં જાય .
કહેતી સંવારીને કેશ ,
જિયો લખણેશ ! જય લખણેશ !

ગણા મુખ કરત આવે ગેલ ,
હરિગુણ ગાન પડતાં મેલ .
કહે ઈમ શારદા ને શેષ ,
જિયો લખણેશ ! જય લખણેશ !

કરે ગાંધર્વ કિન્નર ગાન ,
તંતુરી મૂકી દઈને તાન.
બોલ્યા માનવા મુખ બેશ ,
જિયો લખણેશ ! જય લખણેશ !

ચાંરણા સિદ્ધ મુખથી ચવે ,
કરી લલકાર ને યું લવે :
બાહદુરા ધન્ય થારો બેશ ,
જિયો લખણેશ !  જય લખણેશ !

નારદ વીણાનો કરી નાદ ,
સહુને કરતા આવે સાદ .
ખસી ગ્યો કમ્મરેથી ખેશ ,
જિયો લખણેશ !  જય લખણેશ !

ભીલડી સંગ ભોળે નાથ ,
રમંતા ભૂતડાંની સાથ .
મૂકી તાંડવ કહત માહેશ ,
જિયો લખણેશ !  જીયો લખણેશ !

લંક ગઢ તણા પાય હસમસ્યા ,
ખળભળ્યા કોટ કાંગરા ખસ્યા .
દશાનન સુણી લખણરી હાક ,
પડી ગઈ વીસે કાનમાં ધાક .

દબાવ્યો આજ છાંતીયે હાથ ,
નકી છે મેઘનાદની ઘાત .
કાળબળ રહે ન ઝાલ્યા કોય ,
હવે તો હોણી હોય સો હોય .

યહાં લછમન પર કૂદ્યો ધાય ,
રણ મધે મેઘનાદ નીશીરાય .
લછમને કિયો બાન સંધાન ,
કઠેઠી પણછ ખેંચિયો કાંન .

કીયો !  જય જયતી રામ રઘુવીર ,
તાકીને  તુરત મારિયો તીર .
છુપ્પો જયમ શિવ પિનાક ત્રિશુલ્લ ,
ધરણી પર કિયો ચાટતો ધૂલ .

રણ મધે કિયો મરત મુખ રામ ,
ઈમ ઘનનાદ ગયો સુર ધામ .
દુંદુભિ બજાયો સુરરાજ ,
જય જય લખમણજી મહારાજ .

        *।।છપ્પય।।*

જયતી જયતી લખણેશ ,
રઘુવર કાર્ય સુધારણ ,
જયતી જયતી લખણેશ ,
ભૂમિ સર ભાર ઉતારણ .
જયતી જયતી લખણેશ ,
સુર મુનિવર કે સહાયક .
જયતી જયતી લખણેશ ,
તું રઘુકુળ ભુવ નાયક .
સુખધામ શેષ દશરથ સતણ
મટી પીર મુનિ વૃંદકી ,
કર જોડ ´દાદ` કીરતિ કહત ,
જય હો સુમિત્રાનંદકી .

*કવિશ્રી-: દાદ બાપુ (દાદુ દાન ગઢવી)✍*

*ટાઇપિંગ -: ધર્મેશ ગાબાણી*

*સૌજન્ય~:હરજુગ ભા ગઢવી*
૭૬ ૯ ૮૮ ૨૪ ૬ ૨૧
૭૦ ૪ ૬૫ ૬૧ ૮ ૬૧

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો