ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 10 ઑક્ટોબર, 2021

ભાવનગર રાજ્યના મેઘાવી કવિશ્રી પિંગળશીભાઈ પાતાભાઈ નરેલા ની ૧૬૬ મી જન્મ જયંતિ

*અષાઢ ઉચારં, મેઘ મલ્હારં, બની બહારં, જલધારં*

*ભાવનગર રાજયના મેઘકંઠીલા રાજકવિ શ્રી પિંગળશી નરેલાની ૧૬૬મી જન્મજયંતી*

*મહારાજા તખ્તસિંહજી, ભાવસિંહજી તથા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ એમ સતત ત્રણ રાજપેઢી સુધી પિંગળશીભાઈએ રાજકવિ પદ દીપાવ્યું*

*રાજકવિની પ્રેરણાથી ભાવનગરની પ્રજાને સર તખ્તસિંહજી હોસ્પિટલ જેવી અનમોલ ભેટ મળી*

*મહાકવિ નાનાલાલ અને મેઘાણીજીએ તેઓને 'લાસ્ટ મીનસ્ટ્રલ' અર્થાત મધ્યયુગના છેલ્લા સંસ્કારમૂર્તિ ચારણ કહી સંબોધ્યા હતા*

વિશેષ અહેવાલ-વિરેન્દ્રસિંહ પરમાર

ભાવેણાંના રાજ્યકવિ શ્રી પિંગળશીભાઈ નરેલા (ગઢવી)નો જન્મ તા.૧૦/૧૦/૧૮૫૬ના રોજ ગોહિલવાડ રાજ્યની પુરાતન રાજધાની સિહોર ખાતે, રાજ્યકવિ પિતા પાતાભાઈ નરેલા અને માતા આઈબાની પવિત્ર કુખે થયો હતો. તળાજા તાલુકાનું શેવાળિયા ગામએ તેઓનું મોસાળ હતું. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ચારણી અને વ્રજભાષાના તેઓ જાણકાર હતાં. 
આ નરેલા પરિવારની સતત પાંચ પેઢી એ રાજ્યકવિનું પદ શોભવ્યું હતું જ્યારે મહારાજા તખ્તસિંહજી, ભાવસિંહજી તથા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ એમ સતત ત્રણ રાજપેઢી સુધી પિંગળશીભાઈએ રાજ્યકવિ પદ દીપાવ્યું હતું. તેઓ માત્ર રાજયકવિ જ ન હતાં પરંતુ એક પવિત્ર ચારણ અને પ્રભુપારાયણ મહાપુરુષ પણ હતાં, માટે જ તેઓને દેવતાતુલ્ય ચારણનું બિરુદ મળ્યું હતું. તેઓના સંત સમાન હૃદયને સાચું જળ તો મહારાજા તખ્તસિંહજીએ જ સિચ્યું હતું. મહારાજના તમામ સખાવતી કામ આ રાજ્યકવિની દેખરેખ હેઠળ જ ચાલતાં હતાં. રાજયકવિની પ્રેરણાથી જ ભાવનગરની પ્રજાને સર તખ્તસિંહજી સરકારી હોસ્પિટલની ઉત્તમ ભેટ મળી છે. 
દરરોજ સવારે ચાર વાગ્યે જાગતા અને હાથમાં કલમ ધારણ કરી સરસ્વતીની કૃપાથી એક ઉત્તમ પદની રચના કરતા હતાં. શિવ અને શક્તિના ગણ સમાન આ ચારણ કવિએ બરવાળા પંથકમાં બિરાજમાન પાંડવ સ્થાપિત ભીમનાથ મહાદેવની આરાધના કરતાં ચર્ચરી છંદમાં લખ્યું છે કે :
આદિ શિવ ઓઉંકાર, ભજન હરત પાપ ભાર,
નિરંજન નિરાકાર ઈશ્વર નામી,
દાયક નવ નિધિ દ્વાર, ઓપત મહીમા અપાર,
સર્જન સંસાર સાર શંકર સ્વામી,
ગેહરી શિર વહત ગંગ, પાપ હરત જળ તરંગ,
ઉમિયા અરધંગ અંગ કેફ આહારી,
સુંદર મૂર્તિ સમ્રાથ, હરદમ જુગ જોડી હાથ,
ભજહું મન ભીમનાથ શંકર ભારી...૧.

લોકસાહિત્યના કાર્યક્રમોમાં રજૂ થતાં તેઓના ૠતુવર્ણનો આજે પણ ખૂબ જ લોકપ્રિય ઉપરાંત લોકહૈયે વસેલાં છે.
અષાઢ ઉચારં, મેઘ મલારં, બની બહારં, જલ ધારં,
દાદૂર, હકારં, મયુર પુકારં, તડિતા તારં, વિસ્તારં,
નાં લહિ સંભારં, પ્યાસ અપારં, નંદ કુમારં, નીરખ્યારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી....૯

જ્યારે શૂરવીરતા વિષયક તેઓના ત્રિભંગી છંદ આજે કેમ વિસરાય...??
કર ધરી તલવારં, કમર કટારં, ધનુકર ધારં, ટંકારં,
બંદૂક બહારં, મારં મારં, હાહા કારં હોકારં,
નર કંઈ નાદારં, કરત પુકારં, મુખ ઉચારં, રામ નથી,
વીત વાવરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી....૩.

તેઓ ભાવનગરના રાજ્યકવિ હતાં પરંતુ રાજ્યમાં પધારેલ અન્ય કવિઓને રાજમાંથી ભેટ મળી હોય તેમ છતાં પોતે પણ ભેટ અર્પણ કર્યા બાદ જ કવિઓને વિદાય કરતાં હતાં.તેઓ ભક્તકવિ ઉપરાંત દાતાર તરીકે પણ જાણીતા હતાં.
ભાવેણાં સ્ટેટ તરફથી તેઓને ૧૦ સાંતીનું શેઢાવદર (તા.ભાવનગર) ગામ અર્પણ કરવામાં આવેલું. એક વખત તેઓ ખળાટાણીમાં શેઢાવદર ગયેલાં. ખેડૂતો અને પોતાના ભાગની વહેંચણી થતી હતી તે સમયે ત્યાં કોઈક માગણિયાત આવી ચડ્યા. તેઓએ પોતાના ભાગમાંથી દાણા આપવા માટે ખેડૂતને જણાવ્યું. ખેડૂતે માગણિયાતના ફાળિયામાં થોડું અનાજ આપ્યું. રાજ્યકવિ બેઠાં-બેઠાં જોયા કરે અને ખેડૂતને કહે "મારા ભાગમાંથી અનાજ આપતાં પણ તારો જીવ કેમ નથી ચાલતો ?" તુરંત જ તેઓ ઉભા થયાં, ફરીથી ફાળિયું સરખું  પથરાવ્યું અને પોતાના અનાજના ઢગલામાંથી આડે હાથે બે-ચાર છાલકું મારી ત્યાંતો ફાળિયામાં સમાય નહીં એટલો મોટો ઢગલો થઈ ગયો. સાથે-સાથે તેઓની આંગળીમાં પહેરેલો સોનાનો વેઢ પણ સરીને ફાળિયામાં જઈ પડ્યો.
ખેડૂત કહે : "બાપુ, ફાળિયામાં વેઢ પડી ગયો."
પિંગળશી બાપુ કહે : "ભલે રહ્યો, તેના ભાગ્યનો હશે.
માટે જ રાજ્યકવિ ચર્ચરી છંદમાં લખે છે કે :
ઉત્તમ અધિકાર આપ, મેરુ સમ ભયા માપ,
પૂર્વ પુણ્યકા પ્રતાપ વૈભવ પાયા,
શિર ઘરના સૂમ છાપ, વિપત્તિ હરિ લે વિલાપ,
મત કર સંતાપ પાપ જૂઠી માયા,
બસ્તી સબ કહત બાપ, સ્થિર કર મન, ધર્મ સ્થાપ,
જપ તું નિત અલખ જાપ, ધીરજ ધારી,
તજી દે અભિમાન તાન, મેરા તું કહ્યા માન,
અંતે છૂટ જાત પ્રાણ જૂઠી યારી....૧.

આ જ શેઢાવદર ખાતે મલેક જમાદારના છોકરાં દૂઝાણાં વિના ન રહે માટે ગોવાળને કહે આજે ભેંસો દોહીશ નહીં. બોધરું ઓસરીની કોરે મુકી અને ભેંસને શીંગડે ધી ચોપડ. પછી તું ભેંસ અને બોધરું બંને લઈને મલેક જમાદારના ઘરે જા. ત્યાં ભેંસ બાંધતો આવજે અને બોધરું પણ ત્યાં જ મૂકતો આવજે નહીંતર ભેંસ દોહે શેમાં ? રૈયાતની ચિંતાવાળા આ રાજકવિના જીવનમાંથી માનવતાના અનેક પ્રસંગો મળી આવે છે.
દેવીપુત્ર તરીકે ભગવતી ચામુંડા માતાજી અને ગોહિલવાડની આરાધ્ય દેવી આઈ શ્રીખોડિયારની વંદનાની રચના કરી છે, જે આજે પણ ઘર-ઘર ગુંજે છે.
ખોડિયાર છે યોગમાયા, મામડિયાની 
ખોડિયાર છે યોગમાયા... ટેક.
કરુણા રાખીને પોતે કરે છે,
સેવકને હાથથી છાંયા...મામડિયાની...

નમી નમી શરણુંમાં નવે નોરતાંમાં,
ગુણ કવિ પિંગલ ગાયા...મામડિયાની..

બહોળો રોટલો, પહોળો હાથ, વિશાળ હૃદય અને સૌની સાથે એક જ ભાવ, એક જ બોલ, સૌને એક જ આસન, અને સૌની સાથે એક જ પ્રકારનું વર્તન, ન દિલચોરી, ન વિવેક કે વ્યવહારમાં વધ-ઘટ. 
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી નોંધે છે કે : અડીખમ દેહના એ મેઘકંઠીલા ચારણ કવિનું ગરવું અને ગંભીર વ્યક્તિત્વ એમણે એક પણ કવિતા ન રચી હોત તો પણ સોરઠી જીવનને સમૃદ્ધ કરવા માટે બસ હતું. એમની દિલાવરી, એમનો રોટલો, એમની અજાતશત્રુતા, માથું વાઢી લેવા વાંછનારને પણ ખમ્મા કહેનારી એમની મનમોટપ એમના જીવનના અનેક સંભારણા હૃદયમાં સંઘરાઈને સદાય પડ્યા રહેશે. તેઓના પ્રભુભક્તિના પ્રેમલક્ષણાયુક્ત પદ અત્યારે મીરાંબાઈ, નરસિંહ સહિત અનેક આદિ સંતોની વાણી સાથે સ્થાન મેળવી એકતારાના તાર પર ગવાઈ રહ્યા છે. ભક્ત હૃદયના એ ભડ પુરુષ ડેલીની ચોપાટ માં બેઠાં હોય, હું જઈ ઉભો રહું, જૂની અનેક માહિતીઓ માંગુ, તેના ઉત્તરમાં ઘન ગંભીર કંઠે, આંખ સંકોડી, યાદશક્તિ ઢંઢોળી પછી વાતો કરે, પ્રોત્સાહન આપે, પીઠ થાબડેએ મનોમૂર્તિ આજે પણ માનસપટ પર નખશિખ મોજુદ છે. 


મહાકવિ નાનાલાલ અને મેઘાણીજીએ તેઓને 'લાસ્ટ મીનસ્ટ્રલ' અર્થાત મધ્યયુગનો છેલ્લો સંસ્કારમૂર્તિ ચારણ કહ્યા છે. ચારણ હિતવર્ધક સભાના પાયાના પથ્થરો પૈકીના એક તેઓ 'કૃષ્ણકુમારસિંહજી ચારણ બોર્ડીંગ, ભાવનગર' ની સ્થાપના કરી, ગઢવી સમાજના વિધાર્થીઓ માટે શિક્ષણના ધામનું નિર્માણ કરી ગયા છે.

તેઓએ મહાત્મા ઇશરદાસજીના 'હરિરસ' ગ્રંથના સંપાદન ઉપરાંત શ્રીકૃષ્ણ બાળલીલા, ચિત્ત ચેતાવની, તખ્ત પ્રકાશ, ભાવભૂષણ, પિંગળ કાવ્ય ભાગ -૧ અને ભાગ -૨, સુબોધ માળા, ઈશ્વર આખ્યાન, પિંગળ વીર પૂજા, સુજાતા ચરિત્ર, સપ્તમણી અને સત્યનારાયણ કથા પુસ્તકોની રચના કરી છે. ભાવનગર શહેર ખાતે વડવા પાનવાડી રોડ પર આજે પણ પિંગળશીબાપુની ડેલી આવેલી છે.

રાગદ્રેષથી મુક્ત, નિરાભિમાની અને દરિયાવદિલ ના માલિક, માનવપ્રેમ અને ઈશ્વરભક્તિથી રંગાયેલા જ્ઞાની હૃદયના આ રાજ્યકવિએ તા. ૩/૩/૧૯૩૯ ના રોજ ૮૩ વર્ષની વયે હરિસ્મરણ કરતાં કરતાં દેહ છોડી સ્વર્ગે સિધાવ્યા ત્યારે સાહિત્ય જગતને અને ગોહિલવાડને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી.

MUST READ ARTICLE

 🌹 *पिंगळशीभाई पाताभाई नरेला* 🌹
    *भावनगर राजकवि-ऐक संत कवि*
*[ जन्मदिवस आज 10 ऑक्टोबर 1856...]*

*गजब हाथे गुजारी ने पछी काशी गया थी शूं ?*
*मळी बदनामी दुनिया मा पछी नाशी गया थी शूं?*

आ नरी वास्तविकता ना घुटडा गळे उतारावि, इ सुगम ना पाया नाख्ता नाख्ता पिंगलशी पाताभाई नरेला लोको ना ह्रदय मा वॉट्सप नी स्पीड़े आज थी 165 वर्ष पेहला प्रसरि रह्या हता,

तो बीजी बाजु अड़ाभीड़ शूरवीरो ने बिरदावी, 
एना रोम रोम मा शौर्य ना फुवारा छूटे ऐवा युद्ध वर्णन, अने शूरवीरो ना मडदा पण उभा थय ने युद्ध लड़े ऐवो शौर्य रस इतिहास ने आप्यो,

*कर धरी तलवारम , कमर कटारम्,...बंदूक दहाडम, हा हा कारम होंकारम...*
के
*वित्त वावरवा नु, रण चड़वानु, ना मर्दों नु काम नथी..*

ऐक तरफ विद्वान् फिलोसोफेर ज आपि शके ऐवो जीवन नो फलसफो
*चित चेत सियाना, फिर नही आना, जग मे आखिर मर जाना*.. मा आप्यो

पिंगलशिभाई अहि सुधी *प्रखर अने लोकप्रिय राजकवि तरीके ख्याति पाम्या हता,*
परंतु जीवन ना ऐक वळाक बाद कवि नि कलम कृष्ण भक्ति तरफ वळे छे,
अने आजेय गांडी गीर ना नेहडा थी मांडी ने रात्यु नी रात्यु हालति संतवाणी मा गवाता भजनों जेवा के

*केहवु शूं हवे तमने रे काना , नन्द कुंवर नथी नाना,*
के पछी आखा नागदमण ने समावी लेतु
*प्रभु आव्या धीरे धीरे, जमुना ने तीरे, श्याम शरीरे, करवा सघळी वात,*

जेवा अद्वितीय भजनों आप्या.
अही चन्द्रवदन मेहता लखे छे के भजन-गीतो मा नरसिंह मेहता, दयाराम, धीरा, मीरा ना पदों नी अडोअड़ बेसी शके तेवि काव्य कृतिओ पिंगळशी भाई नी छे तो क्यांक टूंक मा गूढ़ ज्ञान ना किमीया अखा नी याद आपि जाय छे.

अहिया थी *पिंगलशिभाई संत कवि* ना दरज्जे बिराजित थया,
ने पिंगळशी बापु तरीके लोकसम्बोधित थया.

गुजराती, हिंदी, अंग्रेजी, ड़िंगळ, व्रज अने संस्कृत भाषा अने साहित्य साथे तेमणे वीररस, शृंगार रस, अने करुण रसमा साहित्य सर्जन कर्यु. तेमज दूहा, छंद, प्रभाती, लावणी, गझल, अने लोक गीत जेवा अन्नेक प्रकार ना काव्यो नी रचना करी अने ते पण ताल साथे.

ने.नामदार भावनगर ना प्रजावत्सल राजा *कृष्णकुमार सिंहजी* लखे छे के
*पिंगलशीभाई नरेला नु व्यक्तित्व  खरेखर जाज्वल्यमान हतु.*

तो *जवेरचंद मेघाणी  पिंगलशिबापु ने*
 *"सर्जन शक्ति नु पुंज",  ऐक  *"देवतुल्य कविराज"*, *"चारण शिरोमणी",*
  *"अखंड आराधक"*, *" शुभ संस्कारो नो मानव देहे विचरतो स्तंभ",*
अने
"मध्य युग ना छेल्ला संस्कार मूर्ति चारण" जेवा अन्नेक मान सभर सम्बोधनों थी नवाज्या छे.

फारबस छावणी मा प्रख्यात कवि अने पिता ऐवा *दलपतराम अने कनैयालाल मुंशी* साथे थएल गाढ़ मित्रता बे पेढ़ी सुधी चाली आवती जोईने कवि *श्री नान्हालाल कहे छे के मने पिंगळशीबापू प्रत्ये पूज्य भाव हतो,*

तेओ *"भावनगर नी काव्य कलगी"* अने *"महाराजा ना मुगट नो अमूल्य हीरो"* हता.
चारण ज्ञाति ने गरास पाछो अपावनार , अने चारण बोर्डिंग ना स्थापना करनार आ महान कवि ने
चारण समाज, राजवि परिवार, तेमज गौरववंताओ ने ओलखनार समाज हमेंशा याद राखशे.


✍🏻 *-धर्मदिप नरेला*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો