ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 23 ઑગસ્ટ, 2018

आईश्री कामबाई मां


જાંબુડા ગામના ચારણો ઘોડાની સોદાગરી કરતા આઠ મહિના દેશાવર ખેડી ખેડી ચોમાસુ ઘરને આંગણે ગાળતા. કંકુવરણી ચારણિયાણીઓ દુઝાણાં વાઝાણાં રાખીને ઘરનો વહેવાર ચલાવતી, ઉનાળાની શીળી રાતે રોજ રાસડે ઘૂમતી અને ગામનાં, ગામધણીનાં, રામનાં ને સીતાનાં ગીતો ગાતી કે-

જામ! તારું જાંબુડું રળિયામણું રે
પરણે સીતા ને શ્રી રામ

આવે રાઘવ કુળની જાન. - જામ.

પ્રભાતનો પહોર ઉગમણી દિશામાં કંકુડાં વેરે છે. જાંબુડા ગામની સીમ જાણે સોને ભરી છે. તે ટાણે કામબાઈ નામની જુવાન ચારણી કૂવાકાંઠે બેડું ભરે છે. કાળી કામળીમાં ગોરું મોં ખીલી રહ્યું છે. ઉજાગરે રાતી આંખો હીંગળેભરી ભાસે છે. એની આંખો તો રોજની એવી રાતીચોળ રહેતી: લોક કહેતા કે, "આઈ તો ચોરાશી લોબડિયાવાળી દેવિયું ભેળી રાતે આભામંડળમાં રાસ માડે છે. એટલે આઈની આંખ્યું રાતિયું રે'છે."

રૂડાં માણસની ઉજાગરે ભરી આંખે રૂડપમાં ઉમેરો કરે છે.માટીનાં માનવી એ રૂડપના અંગારાને ગુલાબના ફૂલ સમજી દોથો ભરવા લિભાયાં છે; ને કંઈક કમતિયા દાઝ્યા છે.

કૂવાને કાંઠે કામબાઈનું એવું નીતરતુણ રૂપ નીરખીને એક આદમી ચાલ્યો ગયો. આઈનું ધ્યાન તો સીંચવામાં છે. માથેથી કામળી ખંભે સરી પડી છે. કૂવાના નીરમાં પડછાયો દેખીને એને પોતાનો પરદેશ ગયેલો ચારણ સાંભરે છે. અષાઢની વાદળીઓ આભમાં બંધાતી આવે છે. મોરલા ગળકે છે.

"ગઢવો છે કે ઘરે? ઉઘાડજો!"સાંજની રુંઝ્યો રડી ને દીવે વાટ્યો ચડી તે ટાણે કામબાઈની ખડકી પર કોઈક અજાણ્યો ટૌકો પડ્યો.

"ચારણ તો ભણે ગામતરે ગાં સે, બાપ!"

એમ કહેતી ચારણીએ બારણું ઉઘાડ્યુ. જુએ તો અજાણ્યો રાજવંશી પુરુષ: ભેળો એક આદમી: સવારે કૂવાકાંઠે નીકળેલો એ જ.

"આઈ, આ જામ લાખો. આપણા નગરના ધણી. ગઢવાની હાર્યે એને આંતરે ગાંઠ્યું છે. જામનાં આદરમાન કરો આજ."

"ખમા બાપ! ક્રોડ દિવાળી-"એટલું જ્યાં જુવાન ચારણી બોલે ત્યાં તો ઓસરીમાં ઢોલિયો પડેલો તે નિકરે ઢાળ્યો અને નગરનો રાજા લાખો તે પર બેસી ગયો;બેસીને બોલ્યો: "ભાભી! દેવતા લાવજો તો, હોકો ભરીએ!"

'ભાભી શબ્દ સાંભળતાં તો ચારણીના માથામાં ચાસકો નીકળ્યો. કોઈ કુહાડો જાણે લમણા પર પડ્યો. કોઈ દિવસ 'ભાભી' શબ્દ સાંભળવાનો એને અનુભવ નહોતો.

દેવતા દીધો. બીજી વાર 'ભાભી' કહી દૂધ માગ્યું. કામબાઈની કાયા ધણેણી ઊઠી. દૂધ દીધું ત્રીજી વાર 'ભાભી કહી પાણી માગ્યું; અને ચારણીને વેણ ઠેઠે અંતરમાં ઊતરી ગયું. આંહીં ઢોલિયે બેઠેલા રાજાને રૂંવાડે કામ પ્રગટ થયો છે.વિકારના અંગારા બળે છે.

"લે બાપ! તારે જે જોતું તું ઈ બધું!" એમ અવાજ સંભળાયો. સન્મુખ આવીને ચારણી ઊભી રહી. કામળીમાં ઢાંકેલ એક થાળી હાથમાં લીધી છે. કાયા થરથર કંપે છે. "લે! લે! ઝટ!" એમ ફરી ત્રાડ પાડી.

"શું!" રાજા ચમકીને બોલ્યો.

"તારે જોઈતું તું ઈ બધું!" કહીને કામબાઈએ થાળી ઉઘાડી.

"અરરર! આઈ!" લાખાનો સાદ ફાટી ગયો. થાળીમા કાપેલાં બે થાનેલા (સ્તન) દીઠા.

"ના, ના, ભૂલ્યો! આઈ નહિ, ભાભી!"ચારણી આંખો ઘુમાવતી હસવા લાગી: "લે! લે!"

"એ આઈ! આ હું ભૂલ્યો! ઘર ભૂલ્યો!" રાજાએ હાથ જોડ્યા.

"અરે હોય નહિ! આ લે! આ લે!"

હું ભેણી ને તું ભા, સગા! આદુનો સંબંધ,
કવચન કાછેલા! કિયે અવગણે કાઢિયું! (૧)

હે રાજા! ચારણી એટલે બહેનઃ ને તું ક્ષત્રિય એટલે ભાઈઃ ચારણ-રજપૂતો વચ્ચેનો આદિથી ચાલ્યો આવતો આ સંબંધઃ છતાં હે કચ્છમાંથી જાડેજા રાજા (કાછેલા)! તેં 'ભાભી' એવું કુવચન મારા કયા અપરાધે કાઢ્યું? સાંભળીને રાજા ભાગ્યો. પાછળ થાળી સોતી ચારણીએ દોટ દીધી, 'લેતો જા! બાપ, લેતો જા!' એવા સાદ કરતી કામબાઈ પાછળ પડી અને ફરી દુહો કહ્યોઃ

સંચેલ ધન ચારણ તણાં, જરશે નજિ જસા,
અજરો રે અસા, લોઢું લાખણશિયડા! (૨)

જે જામ લાખા! આ તો ચારણા રૂપ-રૂપી ધનઃ એ તને નહિ પચે. આ તો લોઢું કહેવાય એનો તને અપચો થશે.

જામ ઘોડો દોડાવ્યે જાય છે. નગરમાં પેસી જાય છે. પાછળ ચારણી પડી છે. એના મોંમાંથી દુહો ગાજે છેઃ

ચમકપાણ લોહ ઓખદી, પાનંગ વખ પરાં,
અમરત ખાધે ન ઉતરે, ચારણ-લોઈ બરાં! (૩)

લોઢું ન જરે તો તેની ઔષધિ ચમકપાણ નામનો પથ્થર છે. સાપના વિષનું ઔષધ અમૃત છેઃ પરંતુ અમૃત ખાવાથી જેનું ઝેર ન ઉતરે તેવાં બૂરાં તો ચારણનાં લોહી છે.

નગરના મહેલમાં જામે સાંભળ્યું કે ચંડિકા સમી ચારણી હજુ તો શરીરના ટુકડા કરતીને સીમાડે લોહી છાંટતી ચાલી આવે છે. રાજા સામા ગયા, મોંમાં તરણું લઈને બોલ્યાઃ "માતાજી, મને પારકાએ ભુલાવ્યો. હવે ક્ષમા કરો."

"હું તને માફ કરું છું, પણ એક વાત યાદ રાખજેઃ આ તારા મહેલની ઓતરાદી બારી કદી ઉઘાડિશ નહિ."

બાર વરસ વીતી ગયાં. જામે બીજી વાર લગ્ન કર્યાં. નવં રાણીની સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠા છે.

રાણીએ પૂછ્યું: "દરબાર, ઓતરાદી દ્શ્યેથી દરિયાના પવનની લહેરો આવે છે, રળિયામણા દેખાવો જોવાય; છતાં એ જ બારી શા માટે બંધ કરાવી છે?"

"ત્યાં એક ચારણી બળી મૂઆં છે, એની મના છે."

"કેટલો વખત થયો?"

"બાર વરસ."

હસીને રાણી બોલ્યાં: "ઓહોહોહો! આજ બાર વરસે કાંઈ એની મનાઈને ગણકારવાની હોય?"

રાણીના આગ્રહથી એ બંધ બારીની ઈંટો કાઢવામાં આવી. સામે જ દરિયાનો ખારોપાટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો.ચોમાસા સિવાયની એ ઋતુમાં એ ખારા પાટ વચ્ચે પરગામનો કેડો પડતો હતો. બરાબર જાંબુડાથી જે કેડો આવતો હતો તે જ કેડો. પણ અત્યારે એ પાણીમાં ડુબેલો હતો. આધે આઘે જાણે એ પાણી ઉપર આગ બળતી હતી.

જામ લાખાએ રાણીને બોલાવ્યાં. આંગળી ચીંધી જામે રાણીને કહ્યું:" "જુઓ રાણીજી, ઓલી જગ્યાએ પાણીની સપાટી ઉઅપર ભડકા બળે; ત્યાં એ ચારણ્ય બળી મરેલી."

પણ રાજા જ્યાં આંગળી ચીંધાડવા જાય, ત્યાં તો એ દૂર બળતી જ્વાળા આંગળીને ચોંટી. ઝડ! ઝડ! ઝડ! અંગ આખું સળગી ગયું.રાજા બળીને ખાખ થયો. ચારણોએ ગાયું:

ચાલણ ને કમક તણી, ઓછી મ ગણ્યે આગ!
ટાઢી હોયે તાગ, (તોયે) લાગે લાખણશિયડા! (૪)

હે લાખાજી જામ! ચારણની અંદર અને ચકમકની અંદર બેસુમાર અગ્નિ છુપાઈને રહ્યો છે.દેખાવમાં ચકમક ઠંડો છે, પણ એની સાથે ઘર્ષણ થાય ત્યારે બાળિને ખાખ કરે તેવા તણખા ઝરે છે. તેવી જ રીતે આ વૃતાંતમાં પણ અબોલ અને ઠડી કામબાઈની અંદર ઊંડાણે આગ બળતી હતી. કોઈ ન સમજે કે એ બાળી શકશે. છતાં ત્યાંથી ઊઠીને એ તને વળગી, તને ભસ્મ કર્યો.

જૂનો રાફ ન છેડીએ; જાગે કોક જડાગ,
જાગી જાડેજા સરે; કામઈ કાળો નાગ. (૫)

કોઈ રાફડાને જૂનો અને ખાલી સમજીને ઉકેળવો નહિ, કારણ કે એમાંથી કોઇક દિવસ ઝેરી સર્પ નીકળી પડે. જેવી રીતે ચારણ જ્ઞાતિ-રૂપી જૂના રાફડામાં જાડેજાને માથે કામબાઈ કાળા નાગ-શી જાગી.

(પૂર્ણ)

अतित के गौरव और वर्तमान की प्रततिका सेतु पठनीय एवं संग्रणीय सामग्रीका समावेश  "चारणत्व मेगेझिन"


अतित के गौरव और वर्तमान की प्रततिका सेतु पठनीय एवं संग्रणीय सामग्रीका समावेश  "चारणत्व मेगेझिन"

બુધવાર, 22 ઑગસ્ટ, 2018




*अपने गौरवशाली इतिहास संस्कृति की रक्षा अकूत धन संपदा से भी अधिक आवश्यक है*

====================

 विपत्ति की विषमतम  बेला में जब 1914 में अंग्रेजों के दबाव से शाहपुरा की हवेली छोड़ने का क्षण उपस्थित हुआ तब तिजोरी में सुरक्षित  इतिहास के अमूल्य ग्रन्थ “ राजपूताना का अपूर्व इतिहास” के हस्तलिखित रजिस्टर के  तीनों भाग लेकर अपने आंचल में छुपाए हुए नितांत असहाय अवस्था में जिसने अपना प्रतिष्ठित गृह सदा के लिए त्याग दिया। ग्रंथकर्ता कृष्ण सिंह जी बारहठ कि ज्येष्ट पुत्र वधु विरांगना माणिककुंवर सहधर्मिणी क्रांतिकारी केसरी सिंह के धैर्य ,अप्रतिम संघर्ष, सहनशीलता को बारम्बार नमन! जब अंग्रेजों ने पुरी हवेली को ज्यों की त्यों छोड़ कर बाहर निकलने का आदेश दिया तब उस महान देवी ने सिर्फ इस एतिहासिक ग्रन्थ को लेना ज्यादा जरूरी समझा बजाय धन संपत्ति के।

असीम त्याग, बलिदान , उच्च जीवन मूल्यों की एसी महान नारी ही प्रताप जैसे पूत्र को जन्म दे सकती है।


स्वजनों ! आज हमें न तो अपना कुछ त्यागना है , न ही कुछ हमारे सामने शत्रु है । हमें सिर्फ अपनी मानसिकता , अपनी सोच संकुचित स्वार्थ से ऊपर उठाकर अपने दैविय समाज अपनी कुलदेवीयों के जीवन चरित्र का अनुसरण करते हुए संगठित होकर अपने आप को चारणत्व की कसोटी पर खरा उतारना है।

 अपने पास संसार को दिखाने के लिए बौद्धिक, साहित्यिक, दैविय, मातृशक्ति के कृपा प्रसाद की संपदा है। जिससे हम स्वयं अनजान हैं । एसे विचारों व इतिहास में झांकने के लिए चारणत्व मेगज़ीन में धारावाहिक के रूप में हर अंक में “राजपूताना का अपूर्व इतिहास”

का आलेख आपके समक्ष प्रस्तुत हो रहा है। जिसको पढ़ कर आप अवश्य गौरवान्वित महसूस करेंगे।


महेंद्र सिंह चारण

संपादक

*चारणत्व*

સોમવાર, 20 ઑગસ્ટ, 2018

યાદ હેમુ આવશે



*પ્રારંભિક જીવન*


તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા ઢાંકણીયા ગામે ૪ સપ્ટેમ્બર ૧૯૨૯ નાં દિવસે થયો હતો.

 તેમના પિતાનું નામ નાનભા અને માતાનું નામ બાલુબા હતું તેમજ તેમના પત્નિનું નામ હરિબા હતું.


લોકગીત અને ભજનનો તેમને નાનપણથી જ શોખ હતો. જેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાનાં પગારે જોડાયા હતાં. જેમાં તેને પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભુમિકા ભજવીને પોતાનાં અભિનયથી જોવા આવનાર લોકોનાં મન મોહી લીધા હતાં. તે દરમિયાન તેમણે " ગામડુ મુજને પ્યારૂં ગોકુળ" પ્રથમ ગીત ગાયુ હતું. 


એક વખત તેઓ

જામનગર શહેરમાં રાણકદેવી નામનું નાટક ભજવવા ગયેલા. જેમાં તેઓએ રાણકદેવીનું સ્ત્રીનું પાત્ર ભજવ્યુ હતુ અને લોકોનાં દીલ જીતી લીધેલા અને તેનાથી પ્રભાવિત થઈને તે સમયે જામનગર શહેરમાં ચાલતા

રાણકદેવી ચલચિત્રનાં નિર્માતા છેક મુંબઈથી આવીને તેઓએ બાળકલાકાર હેમુભાઈને નવાજ્યા હતાં. આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટકમાં ભજવવામાં ઉપયોગ કરતા હતાં. આમ તેઓએ ઈ.સ. ૧૯૫૫ સુધીમાં વાંકાનેરની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યુ હતું.

કારકિર્દી


આકાશવાણી રાજકોટનાં ગીજુભાઈ વ્યાસ અને ચંદ્રકાંતભાઈ ભટ્ટ એ બન્ને એ હેમુભાઈને નાટક દરમિયાન ખુબજ નજીકથી જોયા હતાં. જેથી તેઓએ હેમુભાઈને આકાશવાણીમાં તેમની સાથે જોડાવા માટે આગ્રહ કર્યો. જેથી હેમુભાઈ ઈ.સ. ૧૯૫૫ ની સાલમાં તાનપુરા કલાકાર તરીકે જોડાયા હતાં. તે દરમિયાન તેઓએ

ઝવેરચંદ મેઘાણી અને દુલા કાગનાં સાહિત્યનો અભ્યાસ કરીને લોકસંગીતને વાચા આપી હતી અને આકાશવાણી દ્વારા ગુજરાતનાં ઘર ઘર સુધી પહોંચાડયુ હતું. આમ તેઓએ ઈ.સ. ૧૯૬૫ સુધી રાજકોટ આકાશવાણીમાં સેવા આપી હતી.


ઈ.સ.૧૯૬૨-૬૩ ની સાલમાં કોલંમ્બિયા કંપનીએ તેમની ૭૮ સ્પીકની "સોની હલામણ મે ઉજળી" રેકર્ડ બહાર પાડી હતી. આ ઉપરાંત એચ.એમ.વી. એ શિવાજીનું હાલરડું, અમે મહિયારા રે અને મોરબીની વાણિયણ જેવી રેકર્ડો બહાર પાડેલી હતી. જે આજેય લોકોનાં માનસપટ ઉપર છવાયેલી છે. આ ઉપરાંત તેમને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા યાદગાર નાટકો કરેલા હતાં.

*૨૦ ઓગસ્ટ ૧૯૬૫નાં દિવસે પડધરી ખાતે આકાશવાણી માટે રાસડાઓનાં રેકોર્ડીગ કરતી વખતે તેમને હેમરેજ થવાથી ચક્કર આવ્યા અને બાદમાં મૃત્યુ પામ્યા.* આમ ફક્ત ૩૬ વર્ષનું આયુષ્ય ભોગવીને તેમનુ અવસાન થયુ. તેમનાં પુત્ર બિહારીદાન ગઢવી પણ લોકસંગીતના ગાયક છે.



*સ્વ.હેમુ ગઢવી સ્મૃતિ સંસ્થાન ટ્રસ્ટ*


તેમની સ્મૃતિમાં સ્થાયેલા આ ટ્રસ્ટ દ્વારા લોકસંગીતની પ્રવૃત્તિઓ, મીડિયા મેનેજમેન્ટ તેમજ  ૨૦૧૭માં તેમના વતન ઢાંકણીયા ખાતે હેમતીર્થ નામથી તેમના સ્મૃતિ સંગ્રહ રૂપ સ્મારક નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


*સ્વશ્રી હેમુભાઈને મળેલા સન્માન*


:-. *રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર.*


:- *ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયકનો ગૌરવ પુરસ્કાર.*


:- *કસુંબીનો રંગ ગુજરાતી ચલચિત્રનાં શ્રેષ્ઠ પાશ્વગાયકનો પુરસ્કાર.*


:- *રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં જાહેરમાર્ગને હેમુ ગઢવી માર્ગ નામ આપ્યું.*


:- *૧૧ ઓગસ્ટ ૧૯૯૮ નાં રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ ઓડિટોરિયમને હેમુ ગઢવી હોલ નામ આપવામાં આવ્યું.*


Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...