ગીર ના નેસ નું ગૌરવ
ગીર ના જંગલ ના સાપ નેસ માં વસવાટ કરતી દીકરી ક્રિષ્નાબેન બાબુભાઈ લોમા જવાહર નવોદય વિધાલય ની કેન્દ્ર કક્ષાએ લેવાતી પરીક્ષા માં ઉત્તીર્ણ થયેલ છે.સાવ નજીવા શિક્ષણ અને સુવિધાઓ સાથે આ પરીક્ષા પાસ કરીને પોતાની ક્ષમતા જગત સમક્ષ રાખી છે.
ખરેખર હાલ માં ગીર જંગલ ના નેસો (જૂનાગઢ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં) માં શિક્ષણ ની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.ગીર ના જંગલ ના નેસો માં શિક્ષણ ની સુવિધાઓ ઉભી કરવામાં સરકાર ક્યાંક ને ક્યાંક ઉદાસીન વલણ દાખવતું આવ્યું છે.
ગીર ના જંગલોના નેસો માં વસવાટ કરતા માલધારીઓ મુખ્યત્વે પશુપાલન નો વ્યવસાય કરીને સદીઓથી વન્યસંપદા નું રક્ષણ કરીને સહજીવન નું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.નેસ માં મોટાભાગ ના માલધારીઓ અભણ છે અને પોતાના હક્કો પ્રત્યે જાગૃત નથી.
RIGHT TO EDUCATION,2009 અંતર્ગત ગુજરાત સરકાર શ્રી ના Right of children to free and compulsory education rules 2012 ના સેક્શન 5(2) મુજબ ધોરણ 1 થી 5 ના બાળકો માટે 1 કિલોમીટર ના અંતર અંદર અને ધોરણ 6 થી 8 ના બાળકો માટે 3 કિલોમીટર ની અંદર શાળા હોવી જરૂરી છે.તેમજ સેક્શન 5(4) મુજબ ભૌગોલિક પરિસ્થિતિ,રસ્તાઓ નો અભાવ,નાના બાળકો માટે શાળાએ જવાનો રસ્તો ભયજનક હોય તો આ અંતર ઘટાડી શકાય.પરંતુ આની અમલવારી થતી નથી.દરેક નેસ માં શાળાઓ ઉપલબ્ધ નથી.
ભારત સરકાર દ્વારા બંધારણ માં 86મો સુધારો કરીને આર્ટિકલ 21-A દ્વારા 6 થી 14 વર્ષ ના બાળકો ને મફત અને ફરજીયાત શિક્ષણ નો બંધારણીય મૂળભૂત હક્ક આપવામાં આવ્યો છે.તેમજ ઉપર જણાવેલ કાયદા અને જોગવાઈઓ મુજબ નિયત અંતરે શાળા સ્થાપવાની,દરેક ને પ્રાથમિક શિક્ષણ મળે માટે ની વ્યવસ્થા કરવાની,શાળા ના મકાન સહિત ના માળખા ની વ્યવસ્થા ની,શૈક્ષણિક સ્ટાફ અને શૈક્ષણિક સામગ્રી પુરી પાડવાની જવાબદારી રાજ્ય સરકાર અને સ્થાનિક સતાતંત્ર ની છે.નેસ ના માલધારીઓ ના બાળકો પણ અન્ય મુખ્ય ધારા માં અભ્યાસ કરતા બાળકો ની જેમ કોમ્પ્યુટર, ટેકનોલોજી સાથે નું શિક્ષણ મેળવે એ તેમનો બંધારણીય હક્ક છે.
હાલ માં નેસો માં શિક્ષણ માં ડ્રોપઆઉટ નો રેશિયો ઊંચો છે અને ખાસ કરીને કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો ઊંચો છે.
ઉપરોક્ત જોગવાઈ અનુસાર શિક્ષણ વિભાગ અને વનવિભાગ દ્વારા સંકલન સાધીને નેસો માં શાળા નું ટેકનોલોજી સાથે નું શિક્ષણ.પૂરું પાડવું જોઈએ.તેઓને ટ્રાન્સપોર્ટેશન ની સુવિધા પૂરી પાડવી જોઈએ.
નેસ ની નજીક ના શહેરી વિસ્તાર માં નેસ ના બાળકો માટે ખાસ માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક કક્ષાના શિક્ષણ માટે નિઃશુલ્ક વ્યવસ્થા ,હોસ્ટેલ અને ટ્રાન્સપોર્ટેશન ની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ અને આજ ના આ સ્પર્ધાત્મક પરીક્ષા ના યુગ માં નેસમાં અભ્યાસ કરીને ,નેસો માં રહીને આવેલ બાળકો ને ખાસ સ્કોલરશીપ આપીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પેકેજ જાહેર કરવું જોઈએ અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા ખાસ આયોજન સાથે સ્પેશિયલ પેકેજ જાહેર કરીને ખરેખર 'સૌનો સાથ ,સૌનો વિકાસ' અને વંચિતો ના વિકાસ માટે ના સૂત્રો ને ખરા અર્થ માં ચરિતાર્થ કરીને નેસો ના બાળકો ને શિક્ષણ ની વ્યવસ્થા માટે નક્કર પગલાંઓ ભરવા પડશે.આ નેસો માં રહેતા બાળકો ના શિક્ષણ માટે સરકારે કંઈક નક્કર પગલાંઓ લેવા જ પડશે.
ચાલો આગળ વધીએ,એકત્રિત થઈએ અને આવા વંચિતો ને પણ શિક્ષણ મળે અને આ સ્પર્ધાત્મક યુગ માં બરાબરી નો મોકો મળે એ માટે એક નવી કેડી કંડારીએ.
નેસ ની એક ચૌદ વર્ષ ની ચારણકન્યા સિંહ ને ભગાડી મુકતી હોય ,નેસ ની બાળા કોઈ પણ સુવિધા વગર જવાહર નવોદય ની પરીક્ષા પાસ કરતી હોય અને આવા તો અનેક દાખલાઓ ગીર માં બનેલ છે જ્યાં સાહસ, બુદ્ધિમતા અને ધૈર્ય નો પરિચય આપ્યો છે.આ ટેલેન્ટ ને યોગ્ય દિશા માં વાળીએ તો નેસ ની બાળકી IAS/IPS તેમજ ઉચ્ચ અધિકારીઓ તરીકે જોવા મળે એમાં બેમત નથી.
"શિક્ષણ એ સિંહણ નું દૂધ છે.જે પીશે એ ત્રાડ પાડશે જ"
અને આ માલધારીઓ ના બાળકો/બાળકીઓ તો સિંહ સાથે જ મોટા થયા છે હવે આ બાળકો ને શિક્ષણ ની ઉત્તમ વ્યવસ્થા સાથે યોગ્ય દિશા મળી જાય તો આ બાળકો પોતાની તાકાત નો પરિચય સ્વંય જ કરાવશે.
9909829551