ગિરા ધોધ ગંગા ગવન, જન પંખી કે પ્રાગ;
ભારત કવિઓમાં ભૂષણ, કરું વંદન કવિ કાગ.
આજે પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની ૪૬મી પુણ્યતિથિ
લોકસાહિત્યના ઘૂઘવતા સાગર સમા પદ્મશ્રી ભક્તકવિ દુલાભાઈ ભાયાભાઈ કાગનો જન્મ તા.૨૫/૧૧/૧૯૦૩ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સોડવદરી ખાતે મોસાળમાં થયો હતો. અમરેલી તાબાનું રાજુલા પંથકનું મજાદર (કાગધામ)એ તેઓનું વતન છે. તેઓએ વિક્ટરની શાળામાં પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. કવિ કાગે કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધીને જ્ઞાન, ભક્તિ અને નીતિ આચરણ જેવા વિષયો પર સાહિત્યની રચના કરી છે.
સંત મુક્તાનંદજીની કૃપાથી નાની ઉંમરમાં જ કવિતાની સરવાણી ફૂટી અને તેઓ લોકરામાયણના વાલ્મિકી બન્યા. રામાયણ અને મહાભારત જેવાં પ્રાચીન ગ્રંથોની ગહન વાણીને સરળ ભજનો દ્વારા લોકવાણીમાં પ્રસ્તુત કરી હોવાથી તેઓને ભગતબાપુનું બિરુદ મળ્યું છે. ભજનો ઉપરાંત દોહા, છંદ, છપ્પય, કવિત, સવૈયા વગેરે જેવા સાહિત્યના પ્રકારોમાં તેઓનું નોંધપાત્ર પ્રદાન છે.
રાષ્ટ્રધ્વજ પચીશી, વિનોબા બાવની, સોરઠ બાવની,ચંદ્ર બાવની, શોક બાવની, શ્રી પ્રમુખ બાવની, બળવંત બિરદાવલી, ગહન પંથ નહેરુ ગયો, તો ધર જાશે, જાશે ધરમ, ગુરુ મહિમા, કહાન ગુરુ વંદના, શક્તિ ચાલીસા ઉપરાંત કાગવાણી ભાગ-૧થી૮માં લોકપરંપરાના પ્રાચીન કલેવરોમાં અર્વાચીન સંવેદનાઓને ગૂંથવાનો કવિએ ઉમદા પ્રયત્ન કર્યો છે. રવિન્દ્ર પારિતોષિક ઉપરાંત ભારત સરકારે પદ્મશ્રીના પુરસ્કારથી તેઓનું બહુમાન કર્યું હતું તથા કેન્દ્ર સરકારશ્રીના ટપાલ વિભાગ દ્વારા તેઓના સ્મરણમાં પાંચ રૂપિયાની ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. વિક્રમ સવંત ૨૦૩૩ ફાગણ સુદ-૪ના રોજ તેઓએ ધરતી પરથી વિદાય લીધી ત્યારે લોકસાહિત્ય જાણે સૂનું પડ્યું. એમની કવિતામાં ધબકતો ચેતન-આત્મા તો સદીઓ સુધી ભાવકોને ભાવતરબોળ કરતો રહેશે.
-હિતેષ ગઢવી (નરેલા) - રાજકોટ.
મો.૯૯૨૪૮ ૧૦૫૯૪
કાગબાપુ ની પુણ્યતિથિ પર ગુજરાત ગૌરવ સમાન કવિને કોટિ કોટિ નમન 🙏🏻💐
કાગ એવોર્ડ 2023
પૂજ્ય મોરારીબાપુના નિશ્રામાં કાગધામ પદ્મશ્રી કવિ કાગબાપુ ની જન્મ ભૂમિ ખાતે યોજાશે કાગ ઉત્સવ
મોરારીબાપુ પ્રેરિત કાગ એવોર્ડની જાહેરાત કરતા સંયોજક ડો. બળવંતભાઈ જાની : સ્વ. નાગભાઈ લાખાભાઈ ખળેલ, હરેશદાન સુરુ, ઈશુદાન ગઢવી, નિલેશભાઈ પંડ્યા ગજાદાન ચારણને કાગ એવોર્ડ અર્પણ કરાશે
કાગના ફળિયે કાગની વાતું પરિસંવાદમાં પ્રખ્યાત વક્તા શ્રી લાખણશી ગઢવી અને શ્રી યશવંત લાંબા વક્તવ્યો આપશે
પૂજ્ય કાગબાપુની પાવન જન્મભૂમિ કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ પ્રતિવર્ષ યોજવામાં આવે છે. જેમાં કાગના ફળિયે કાગની વાતું, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાતના નામી- અનામી કલાકારો દ્વારા કાગવાણી પ્રસ્તુતિ થાય છે. આ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2023ના કાગ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાં
મરણોત્તર - સ્વ. શ્રી નાગભાઈ લાખાભાઈ ખળેલ (મગરવાડા), સ્ટેજ - શ્રી હરેશદાન સુરુ,
સર્જક - શ્રી ઈશુદાન ગઢવી (રત્નુ) (હિંમતનગર),
સંશોધન - શ્રી નિલેશભાઈ પંડ્યા (રાજકોટ),
રાજસ્થાની વિરુલ - શ્રી ગજાદાન ચારણ (નાથુસર) ને કાગ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.
વર્તમાન વર્ષ પૂજ્ય કાગબાપુની 46મી પુણ્યતિથિ નિમિતે ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ કાગધામ ગામે ફાગણ સુદી ચોથને ગુરુવારે તા. 23.02.2023ના બપોરે 3થી સાંજના 6 વાગ્યા સુધી પૂજ્ય મોરારીબાપુના સાનિધ્યમાં કાગના ફળિયે કાગની વાતું વિષય અંતર્ગત કાગના ફળિયે કાગની વાતું નામના પરિસંવાદમાં પ્રખ્યાત વક્તા શ્રી લાખણશી ગઢવી અને શ્રી યશવંત લાંબા વક્તવ્યો આપશે . આ તકે પદ્મશ્રી કવિ કાગબાપુ ટ્રસ્ટ દ્વાર સર્વ કાગપ્રેમી ને આમંત્રણ આપે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો