ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

બુધવાર, 16 મે, 2018

|| આઇયું ઓળઘોળ ||

◆◆◆ || આઇયું ઓળઘોળ ||◆◆◆

                 || દોહા ||
ગહન ધારા ગંગની, મુખમે તોળે માં,
હૈયું ભણે છે હાં, અમિયલ તોળુ અંબીકા. ૧

દયાથી તોળી દીપતા, આ ત્રણ ભુવન ના તાજ,
નકર ત્રણ ક્ષણમાં તારાજ,તું એકજ કરતી અંબીકા.૨

વચ્ચન સિધ્ધ વાણી દઈ, કરજે અમણાં કાજ,
અંતર મેં અવાજ,તું આપજે કાયમ અંબીકા.૩

આંખેથી ટપકે આંશુડુ, કોઈ ધખી ને નાખે ધા,
ઇ સાંખી શકે નઇ માં, આવે લુછવા અંબીકા.૪

દુઃખને તો નાંખે દળી, મોળી મ્હેર કરે છે માં,
વા વા નો દયે વા,ઉનો કોઈ દિ અંબીકા.૫

કળજુગ કેરો કોઈ દિ, તન પર તપે ન તાપ,
સદા હરતી સંતાપ, આવીને સાંમી અંબીકા.૬

                     || ગીત : સપાખરું ||

આદ અનાદ અનાદિ દેવી,જગદંબા અંબા મૈયા,
છોરૂડાંની માથે કરે, ખાસ તું તો છાંઇ.
હિંગોલ આવડ અને,મોગલ નાગલ રૂપે,
અવતરી ચારણોના,નેહડે તું આઈ.(૧)

મચ્છા રૂપે સંખાસૂર ,હડી દઈ નાખે હણી,
કમઠ રૂપે ઇ દીયે, ચૌદહી રતન્ન.
વરાહ રૂપે ઇ માત, ધરણી ઉગાર લિયે,
નરહરિ રૂપે હરણખ્ખ નું પતન્ન. (૨)

વામન રૂપે ઇ ત્રણ ,ડગમાં ત્રિલોક લિયે,
પરશું કરે છે નહ શાત્ર ને પરાસ્ત.
રામ રૂપે રાવણ ને ક્રશ્ન રૂપે કંસ કેરાં,
નાશ કરી બુધ્ધ મૌન, કલ્કિ કરાસ્ત.(૩)

શુંભ ને નિશુંભ ,મહિષાસુર ને નાખે મારી,
હણી નાંખે ઘણાં દૈત,ધરી વિધ રૂપ,
તાળિય લઈને વિકરાળી,વઢવાણી બને,
બોકડે બિરાજે માત, મેલડી અનુપ.(૪)

માત હુંકાર કરે તાં, દૈત છાતીમેં ડાકલા વાગે,
ભય ભૂત પ્રેત ભયે,દેવતાં અભય.
રણ જંગ મેં ઊતરે દેવી,ખગવાળી ખપરાળી,
અસુરાં ને દીયે ઢાળી,અંબીકા અજય.(૫)

નાહર બિરાજી માત, વાળે જયાં પલઠ્ઠો ત્યાં તો,
અઠ્ઠો બઠ્ઠો થાય નાગ,બ્રહ્માંડ ત્રિલોક.
કડેડે કાચબા પીઠ,દેવીનું સ્વરૂપ દીઠ,
ભયભીત દિશા બને, રથ્થા રવિ રોક.(૬)

દેવી જંગ મેં ઉમંગે જાણે,નોરતાં રંગ મેં રમ્મે,
દમ્મે દૈત ખમ્મે દેવ,મુખે ભણે માત.
રાંખસ્સા ઝૂંડ ને ઈતો,ચપટી માં નાંખે ચોળી,
રગતાં ત્રાહળાં ધોળી ઘોળી પીયે જાત.(૭)

શેષ વાસુકી નાગ ના ,જેણે સાંકળાં પાંવ મેં પેર્યા,
વીંછીયાં નાગ ના બીયાં, આંગળે વિટોળ.
ખણઁકે ચૂડિયું હાથે, ઠણઁકે કાંબિયું ગાજે,
જગદંબા રૂપ માથે,આયું ઓળઘોળ.(૮)

સંમળી રૂપે તું માત સેખા ને છુડાઈ લાઇ,
પીથલ સાટે તું ધિંગી પગપ્પાંળી ધાઈ.
કડેડે કરાળી નભ વિજળી સળાવે કાળી,
ભળેળે ભેળિયા તણી, સુર આડે છાંઇ.(૯)

ખરે ખરા ટાણે કરે,ખમકારા ખરે ખરા,
સપાખરે ડરે દૈત,પાછાં ભરે પાંવ.
પ્રવીણ મધુડો પ્રાથે, હરતા કરતા હાથે,
દીલ જનની નું જુવો,કેવું દરિયાંવ.(૧૦)

ચારણ કવિ પ્રવીણભા હરુભા મધુડા રાજકોટ
મો 95109  95109

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવતા દરેક ચારણ - ગઢવી સમાજના ભાઈઓ - બેનો માટે ભાવનગર ભગવતિ ગર્લ્સ હોસ્ટેલ ખાતે રહેવા તથા જમવા ની વ્યવસ્થા

જય માતાજી.  આવતીકાલે તારીખ.૨૯ જાન્યુઆરી ૨૦૨૩ ને રવિવારના રોજ ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્ક ...