આઈ કામબાઈ
ઝવેરચંદભાઈ મેઘાણી
જાંબુડા ગામના ચારણો ઘોડાની સોદાગરી કરતા આઠ મહિના દેશાવર ખેડી ખેડી ચોમાસુ ઘરને આંગણે ગાળતા. કંકુવરણી ચારણિયાણીઓ દુઝાણાં વાઝાણાં રાખીને ઘરનો વહેવાર ચલાવતી, ઉનાળાની શીળી રાતે રોજ રાસડે ઘૂમતી અને ગામનાં, ગામધણીનાં, રામનાં ને સીતાનાં ગીતો ગાતી કે-
જામ! તારું જાંબુડું રળિયામણું રે
પરણે સીતા ને શ્રી રામ
આવે રાઘવ કુળની જાન. - જામ.
પ્રભાતનો પહોર ઉગમણી દિશામાં કંકુડાં વેરે છે. જાંબુડા ગામની સીમ જાણે સોને ભરી છે. તે ટાણે કામબાઈ નામની જુવાન ચારણી કૂવાકાંઠે બેડું ભરે છે. કાળી કામળીમાં ગોરું મોં ખીલી રહ્યું છે. ઉજાગરે રાતી આંખો હીંગળેભરી ભાસે છે. એની આંખો તો રોજની એવી રાતીચોળ રહેતી: લોક કહેતા કે, "આઈ તો ચોરાશી લોબડિયાવાળી દેવિયું ભેળી રાતે આભામંડળમાં રાસ માડે છે. એટલે આઈની આંખ્યું રાતિયું રે'છે."
રૂડાં માણસની ઉજાગરે ભરી આંખે રૂડપમાં ઉમેરો કરે છે.માટીનાં માનવી એ રૂડપના અંગારાને ગુલાબના ફૂલ સમજી દોથો ભરવા લિભાયાં છે; ને કંઈક કમતિયા દાઝ્યા છે.
કૂવાને કાંઠે કામબાઈનું એવું નીતરતુણ રૂપ નીરખીને એક આદમી ચાલ્યો ગયો. આઈનું ધ્યાન તો સીંચવામાં છે. માથેથી કામળી ખંભે સરી પડી છે. કૂવાના નીરમાં પડછાયો દેખીને એને પોતાનો પરદેશ ગયેલો ચારણ સાંભરે છે. અષાઢની વાદળીઓ આભમાં બંધાતી આવે છે. મોરલા ગળકે છે.
"ગઢવો છે કે ઘરે? ઉઘાડજો!"સાંજની રુંઝ્યો રડી ને દીવે વાટ્યો ચડી તે ટાણે કામબાઈની ખડકી પર કોઈક અજાણ્યો ટૌકો પડ્યો.
"ચારણ તો ભણે ગામતરે ગાં સે, બાપ!"
એમ કહેતી ચારણીએ બારણું ઉઘાડ્યુ. જુએ તો અજાણ્યો રાજવંશી પુરુષ: ભેળો એક આદમી: સવારે કૂવાકાંઠે નીકળેલો એ જ.
"આઈ, આ જામ લાખો. આપણા નગરના ધણી. ગઢવાની હાર્યે એને આંતરે ગાંઠ્યું છે. જામનાં આદરમાન કરો આજ."
"ખમા બાપ! ક્રોડ દિવાળી-"એટલું જ્યાં જુવાન ચારણી બોલે ત્યાં તો ઓસરીમાં ઢોલિયો પડેલો તે નિકરે ઢાળ્યો અને નગરનો રાજા લાખો તે પર બેસી ગયો;બેસીને બોલ્યો: "ભાભી! દેવતા લાવજો તો, હોકો ભરીએ!"
'ભાભી શબ્દ સાંભળતાં તો ચારણીના માથામાં ચાસકો નીકળ્યો. કોઈ કુહાડો જાણે લમણા પર પડ્યો. કોઈ દિવસ 'ભાભી' શબ્દ સાંભળવાનો એને અનુભવ નહોતો.
દેવતા દીધો. બીજી વાર 'ભાભી' કહી દૂધ માગ્યું. કામબાઈની કાયા ધણેણી ઊઠી. દૂધ દીધું ત્રીજી વાર 'ભાભી કહી પાણી માગ્યું; અને ચારણીને વેણ ઠેઠે અંતરમાં ઊતરી ગયું. આંહીં ઢોલિયે બેઠેલા રાજાને રૂંવાડે કામ પ્રગટ થયો છે.વિકારના અંગારા બળે છે.
"લે બાપ! તારે જે જોતું તું ઈ બધું!" એમ અવાજ સંભળાયો. સન્મુખ આવીને ચારણી ઊભી રહી. કામળીમાં ઢાંકેલ એક થાળી હાથમાં લીધી છે. કાયા થરથર કંપે છે. "લે! લે! ઝટ!" એમ ફરી ત્રાડ પાડી.
"શું!" રાજા ચમકીને બોલ્યો.
"તારે જોઈતું તું ઈ બધું!" કહીને કામબાઈએ થાળી ઉઘાડી.
"અરરર! આઈ!" લાખાનો સાદ ફાટી ગયો. થાળીમા કાપેલાં બે અંગ (સ્તન) દીઠા.
"ના, ના, ભૂલ્યો! આઈ નહિ, ભાભી!"ચારણી આંખો ઘુમાવતી હસવા લાગી: "લે! લે!"
"એ આઈ! આ હું ભૂલ્યો! ઘર ભૂલ્યો!" રાજાએ હાથ જોડ્યા.
"અરે હોય નહિ! આ લે! આ લે!"
હું ભેણી ને તું ભા, સગા! આદુનો સંબંધ,
કવચન કાછેલા! કિયે અવગણે કાઢિયું!
હે રાજા! ચારણી એટલે બહેનઃ ને તું ક્ષત્રિય એટલે ભાઈઃ ચારણ-રજપૂતો વચ્ચેનો આદિથી ચાલ્યો આવતો આ સંબંધઃ છતાં હે કચ્છમાંથી જાડેજા રાજા કાછેલા તેં 'ભાભી' એવું કુવચન મારા કયા અપરાધે કાઢ્યું?
સાંભળીને રાજા ભાગ્યો. પાછળ થાળી સોતી ચારણીએ દોટ દીધી, 'લેતો જા! બાપ, લેતો જા!' એવા સાદ કરતી કામબાઈ પાછળ પડી અને ફરી દુહો કહ્યોઃ
સંચેલ ધન ચારણ તણાં, જરશે નજિ જસા,
અજરો રે અસા, લોઢું લાખણશિયડા
જે જામ લાખા! આ તો ચારણા રૂપ-રૂપી ધનઃ એ તને નહિ પચે. આ તો લોઢું કહેવાય એનો તને અપચો થશે.
જામ ઘોડો દોડાવ્યે જાય છે. નગરમાં પેસી જાય છે. પાછળ ચારણી પડી છે. એના મોંમાંથી દુહો ગાજે છેઃ
ચમકપાણ લોહ ઓખદી, પાનંગ વખ પરાં,
અમરત ખાધે ન ઉતરે, ચારણ-લોઈ બરાં!
લોઢું ન જરે તો તેની ઔષધિ ચમકપાણ નામનો પથ્થર છે. સાપના વિષનું ઔષધ અમૃત છેઃ પરંતુ અમૃત ખાવાથી જેનું ઝેર ન ઉતરે તેવાં બૂરાં તો ચારણનાં લોહી છે.
નગરના મહેલમાં જામે સાંભળ્યું કે ચંડિકા સમી ચારણી હજુ તો શરીરના ટુકડા કરતીને સીમાડે લોહી છાંટતી ચાલી આવે છે. રાજા સામા ગયા, મોંમાં તરણું લઈને બોલ્યાઃ "માતાજી, મને પારકાએ ભુલાવ્યો. હવે ક્ષમા કરો."
"હું તને માફ કરું છું, પણ એક વાત યાદ રાખજેઃ આ તારા મહેલની ઓતરાદી બારી કદી ઉઘાડિશ નહિ."
બાર વરસ વીતી ગયાં. જામે બીજી વાર લગ્ન કર્યાં. નવં રાણીની સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠા છે.
રાણીએ પૂછ્યું: "દરબાર, ઓતરાદી દ્શ્યેથી દરિયાના પવનની લહેરો આવે છે, રળિયામણા દેખાવો જોવાય; છતાં એ જ બારી શા માટે બંધ કરાવી છે?"
"ત્યાં એક ચારણી બળી મૂઆં છે, એની મના છે."
"કેટલો વખત થયો?"
"બાર વરસ."
હસીને રાણી બોલ્યાં: "ઓહોહોહો! આજ બાર વરસે કાંઈ એની મનાઈને ગણકારવાની હોય?"
રાણીના આગ્રહથી એ બંધ બારીની ઈંટો કાઢવામાં આવી. સામે જ દરિયાનો ખારોપાટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો.ચોમાસા સિવાયની એ ઋતુમાં એ ખારા પાટ વચ્ચે પરગામનો કેડો પડતો હતો. બરાબર જાંબુડાથી જે કેડો આવતો હતો તે જ કેડો. પણ અત્યારે એ પાણીમાં ડુબેલો હતો. આધે આઘે જાણે એ પાણી ઉપર આગ બળતી હતી.
જામ લાખાએ રાણીને બોલાવ્યાં. આંગળી ચીંધી જામે રાણીને કહ્યું:" "જુઓ રાણીજી, ઓલી જગ્યાએ પાણીની સપાટી ઉઅપર ભડકા બળે; ત્યાં એ ચારણ્ય બળી મરેલી."
પણ રાજા જ્યાં આંગળી ચીંધાડવા જાય, ત્યાં તો એ દૂર બળતી જ્વાળા આંગળીને ચોંટી. ઝડ! ઝડ! ઝડ! અંગ આખું સળગી ગયું.રાજા બળીને ખાખ થયો. ચારણોએ ગાયું:
ચાલણ ને કમક તણી, ઓછી મ ગણ્યે આગ!
ટાઢી હોયે તાગ, (તોયે) લાગે લાખણશિયડા!
હે લાખાજી જામ! ચારણની અંદર અને ચકમકની અંદર બેસુમાર અગ્નિ છુપાઈને રહ્યો છે.દેખાવમાં ચકમક ઠંડો છે, પણ એની સાથે ઘર્ષણ થાય ત્યારે બાળિને ખાખ કરે તેવા તણખા ઝરે છે. તેવી જ રીતે આ વૃતાંતમાં પણ અબોલ અને ઠડી કામબાઈની અંદર ઊંડાણે આગ બળતી હતી. કોઈ ન સમજે કે એ બાળી શકશે. છતાં ત્યાંથી ઊઠીને એ તને વળગી, તને ભસ્મ કર્યો.
જૂનો રાફ ન છેડીએ; જાગે કોક જડાગ,
જાગી જાડેજા સરે; કામઈ કાળો નાગ.
કોઈ રાફડાને જૂનો અને ખાલી સમજીને ઉકેળવો નહિ, કારણ કે એમાંથી કોઇક દિવસ ઝેરી સર્પ નીકળી પડે. જેવી રીતે ચારણ જ્ઞાતિ-રૂપી જૂના રાફડામાં જાડેજાને માથે કામબાઈ કાળા નાગ-શી જાગી.
ઝવેરચંદભાઈ મેઘાણી
- આભાર
સૌરાષ્ટ્ર રસધાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો