દોહો
ગડહડ બદલ ગડહડે, મયૂર બેંગ મલકંત
મેઘ પધારે મહી પરે, ફોરલીયા ફરકંત
છંદ સારસી
ફરકંત ફોરા ચીત ચોરા ઓર ઓરા આવશી
બહુ બેંગ ઘેરા બદ અનેરા મેઘ ડેરા માંડશી
ગડહડત ગડડડ વ્યોમ ગાજત ધરા બદલ અય ધસી
અડેડાટ ખળળળ મેઘ આયો હરખ ભર વનરા હસી
વળકંત અનહદ ચપળ વનિતા ધરા અંબર ધડધડે
મદ જરત સેંધર મેલ માજા આભ સનમુખ આથડે
ખળખળત જરણા ખેલ રહ સબ વનીત ધર ફોરમ વસી
અડેડાટ ખળળળ મેઘ આયો હરખ ભર વનરા હસી
અસાડ આયો ચીત છાયો ખલક તરબર થઈ ખરી
મલકંત કેકી કંઠ મોકળ ગાન તમ્મર ગણ કરી
રસવંત ધરણિ ભઈ રસબસ તૃષા ધરણિ રી તૃષી
અડેડાટ ખળળળ મેઘ આયો હરખ ભર વનરા હસી
ઉદ્ધી ઉપાડી અંબુ અનગળ જલદ લઈ ધરણિ જરે
પ્રગટે અનોધા પ્રેમવારી પ્રાછટી વસુધા પરે
અગણિત અણકળ જ્યોત જળહળ પ્રભા પળ પળ પ્રગટશી
અડેડાટ ખળળળ મેઘ આયો હરખ ભર વનરા હસી
ઉતબંગ સેંધર આભ કાળા ભેટવા અનહદ ભમે
હડેડાટ હલક્યા નીર છલક્યા ટાલ ખળક્યા તે સમે
જગ જીવ જલકયા મુખ મલકયા ઉપરે ધર આવશી
અડેડાટ ખળળળ મેઘ આયો હરખ ભર વનરા હસી
કુંજઈ કુંજે ગીત ગુંજે પૂંજ પુંજે પંખીયા
અરવીદ પોહોપ અલિ અવલી ગાન ગંધવઁ ગુંજીયા
કેકાય કલીતા કંઠ નારણ કમ્મરા ગહકે કશી
અડેડાટ ખળળળ મેઘ આયો હરખ ભર વનરા હસી
છપ્પય
અવન અમીત આનંદ બ્રખા બહુત બહલાવે
સકલ જીવ સુખવંત સબે હરી છીતી દીખાવે
લસત કૃષિ લહરાત ફહર પતાક ફહરાવે
ગાઢાકર ગુણ ગાન મેઘ ધર નંદ મીલાવે
આનંદ મોજ ઉમગત અખીલ ધરન ચીર નીલા ધરે
કવી મોડ વંત નારણ કહત અમી વરસ ધર ઉપરે
કવી નારણદાનબાપુ સુરુ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો