સમર્થ લોકવાર્તાકાર સ્વ.બાપલભાઈ ગઢવીની આજે ૨૭મી પુણ્યતિથિ
પંડય બાપલ પિંજરું, પિંજરમાં પોપટ ;
ઉડી જાહે એક 'દિ, ધરા વિંધી ધ્રોપટ.
...
ઝાલાવાડની કંકુવરણી વસુંધરાના સમર્થ કવિ, લોકવાર્તાકાર અને લોકસાહિત્યકાર સ્વ.બાપલભાઈ દેશાભાઈ ગઢવી (ભેવલિયા)નો જન્મ તા.૦૫/૧૧/૧૯૨૧ના રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બાબરિયાત ખાતે થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાને કર્મભૂમિ બનાવનાર તેઓએ જૂનાગઢ ખાતે લોકસાહિત્ય વિદ્યાલયમાં પદ્મશ્રી દુલા ભાયા કાગ, મેરુભા ગઢવી, વ્રજભાષાના વિદ્વાન યશકરણદાનજી તથા જયમલ્લભાઈ પરમાર જેવા વિદ્વાન ગુરુજનો પાસેથી લોકવિદ્યા પ્રાપ્ત કરી હતી.
તેઓ આકાશવાણી-રાજકોટના B+ ગ્રેડના લોકવાર્તાકાર હતા. સમગ્ર ઝાલાવાડના ગામડે-ગામડે, નગરે-નગરે, નેહડે-નેહડે તથા ખોરડે-ખોરડે ફરી તત્કાલિન સમયના વ્યસનો સામે વ્યસનમુક્તિ જાગૃતિ માટેના કાર્યક્રમો યોજ્યા હતા, જેની ફળશ્રુતિ સ્વરૂપે સમગ્ર ઝાલાવાડ પ્રદેશમાં દારૂ નામના દૈત્યનું પ્રમાણ ખૂબ જ ઘટ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત ઝાલાવાડ ખાતે મહિલા વ્યસનમુક્તિના કાર્યક્રમો યોજી અનેક મહિલાઓને પણ વ્યસનમુક્ત કરવામાં તેઓનું અમૂલ્ય પ્રદાન છે.
૨૫ લોકવાર્તાઓનો અણમોલ સંગ્રહ *'કોને રંગ દેવા'* ભાવકોને અર્પણ કરી તા.૦૩/૦૮/૧૯૯૫ના રોજ ઈશ્વરના દરબારમાં ખુદ ઈશ્વરને વાર્તા સંભળાવવા માટે અનંતની વાટ પકડી.
*આ ઇમારત ઉભી ભલે, ખાલી નથી ખૂણો*
*બાપલ ભીતર-બાહરે, લાગી ગયો છે લૂણો.*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો