પીંગળશીભાઇ.મેધાણંદભાઇ.ગઢવી (લીલા)
કંઠ, કહેણી અને કલમો ત્રિવેણી સંગમ
પીંગળશીભાઈ ગઢવી સુપ્રસિદ્ધ કવિ, લેખક અને કલાકાર - કંઠ, કહેણી અને કલમ જેનામાં ત્રિવેણી સંગમ થઈને વહે છે, જેણે પંદર-સોગ કવિતા વાર્તાના ગ્રંથોની ગુજરાતને ભેટ આપી છે તેવા શ્રી પીંગળશીભાઈનો જન્મ વિ. સં. ૧૯૭૦ અને ઇ. સ. ૧૯૧૪ના રોજ જુલાઈ માસમાં પોરબંદર પાસેના છત્રાવા ગાર્મ ચારણ કુળની લીલા શાખામાં થયો. પિતાનું નામ મેધાણંદ, અને માતાનું નામ શેણબાઈમાં, તેમનાં લગ્નના બાલુભાઈ ઉઢાસનાં સુપુત્રી જીબાબેન સાથે થયાં.મેધાણંદ ગઢવીના પનોતા અને પ્રતિભાશાળી બે પુત્રો જેમણે પિતાનો લોકસાહિત્યનો વારસો જાળવ્યો, એટલું જ નહિ પણ દીપાવ્યો છે. આ બે પુત્રોમાં મોટા સ્વ. મેરૂભા ગઢવી અને નાના પીંગળશીભાઈ ગઢવી.
છેલ્લા પાંચ દાયકામાં લોકસાહિત્ય ક્ષેત્રે પીંગળશીભાઈની કામગીરી વિવિધ ક્ષેત્રે પડેલી છે. કંઠ અને કહેણીનો ઉજળો વારસો સાંગોપાંગ જાળવી રાખ્યો છે. તેમણે છત્રાવાની ગામઠી શાળામાં ફક્ત પાંચ ગુજરાતીનો અભ્યાસ કર્યો. આ સમયે તેમને માટે ખેડ અને સરસ્વતી ઉપાસના કરવાનો હતો, ઢોર ચારતા જાય અને કવિતા મોઢે કરતા જાય યાદશક્તિ તીવ્ર અને ગાવાનો શોખ, 'છંદરત્નાવલી' અને ‘ચિત્તચેતાવની' જેવા ગ્રંથ તેમણે કંઠસ્થ કર્યા.
સત્તરમા સૈકામાં સુંદરબાઈ થયાં અને તેમના કુળમાં આજ સુધી સાહિત્યનો વારસો જળવાઈ રહ્યો છે. છત્રાવ સંસ્કારવેલનું મીઠું ફળ એટલે મેઘાણંદ ગઢવી, પોતે સાવ અભણ પણ લોકસાહિત્ય અને લોકવાર્તાના બહુશ્રત. તેમને કંઠે કાવ્ય અને કહેણી અવિરત વહી. તે જમાનામાં ઉચ્ચ કોટિના વાર્તાકાર તરીકે સમાજ અને દરબારોમાં તેમની નામના સારી તેમની ૩૫મી જન્મજયંતિ સાઈઠ વર્ષ પહેલાં મુંબઈમાં ઉજવાણી અને પાંત્રીશ સુવર્ણગીની કદર રૂપે અર્પણ કરી.
પીંગળશીભાઈની પાંગરતી પ્રતિભા જોઈ તેમના પિતાશ્રી જયાં જયાં પોતાના કાર્યક્રમ હોય ત્યાં તેને સાથે લઈ જતા. આમ, દસેક વર્ષ પિતા પાસે તાલીમ લીધી હોવાથી તેમનામાં બચપણથી જ લોકસાહિત્યનાં બીજ રોપાયાં અને આગળ જતાં વટવૃક્ષ રૂપ ધારણ કર્યું અને વડિલ બંધુશ્રી મેરૂભાની પ્રેરણાથી રાષ્ટ્રિય રંગે રંગાયા. ૨૭ વર્ષની ઉંમરે પોરબંદર મહારાણા મીલમાં નોકરીમાં રહ્યા. એકાદ વર્ષ નોકરી કરી, પણ ફાવ્યું નહિ, લોકસાહિત્યના જીવને આવાં બંધન શેના માટે પાલવે? નોકરી છોડી બગસરા દુકાન કરી, આ અરસામાં મહાત્મા ગાંધીજીની હત્યા થઈ અને કવિનો આત્મા કકળી ઊઠ્યો. પોતે એક શોકાંજલિનું ગીત લખી નાખ્યું. માથા ઉપર જે પાઘડી બાંધતા તે ઉતારી ટોપી ધારણ કરી. થોડો વખત બગસરા રહ્યા પણ ધંધામાં ચિત્ત ચોટયું નહિ એટલે જૂનાગઢ પાસેના પલાંસવા ગામે આવી ખેતી શરૂ કરી. ગામને ચોરે બેસી ખેડૂતબાવની લખી. સાવરકુંડલા પાસે આદસંગ ગામે જયારે ખેડૂત સંમેલન મળ્યું ત્યારે તેમનું સન્માન થયું.
આ દિવસો સૌરાષ્ટ્ર સરકારના હતા. લોકસાહિત્ય માટે કાંઈક કરવાનો વિચાર તે વખતના ગ્રામવિકાસ ખાતાના મંત્રીશ્રી રતુભાઈ અદાણી અને જયમલ્લભાઈ પરમારના મનમાં ધોળાતા હતા, તેથી જૂનાગઢ મુકામે ઇ.સ. ૧૯૫૬માં લોકસાહિત્ય વિદ્યાલયની સ્થાપના કરી અને તેના આચાર્ય તરીકે શ્રી પિંગળશીભાઈની નિમણુંક કરી. ભુજની વ્રજભાષા પાઠશાળા પછી આ પ્રકારનું આ વિદ્યાલય બીજું હતું. જે ઇ.સ. ૧૯૬૬ સુધી ચાલુ રહ્યું. તેમાં અનેક કવિઓ, વિદ્વાનો અને સાહિત્યકારોની અવર-જવર રહેતી. જેથી પિંગળશીભાઈને અનેકના સંપર્કમાં આવવાની તક મળી અને તેના પરિપાકરૂપે બે પુસ્તકો પ્રગટ થયાં, ‘‘સૌરાષ્ટ્ર દર્શન” અને “સોરઠની સરવાણી.”
નાના-મોટા કાર્યક્રમો તો પીંગળશીભાઈ પહેલેથી જ આપતા. પણ વિદ્યાલય શરૂ થયા પછી મોટા કાર્યક્રમ યોજાતા. આમ, ૨૦ થી ૨૨ વર્ષ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોટા શહેરોમાં લોકસાહિત્યના કાર્યક્રમોમાં તેનો સ્વર લહેરાતો. વિદ્યાલયના દસ વર્ષના સમયમાં લગભગ ૬૦ વિદ્યાર્થીઓ તૈયાર થયા. જેમાંના ઘણા કલાકારો આજે પણ ડાયરો ગજાવે છે.
આ અરસામાં ગુજરાત નશાબંધી દ્વારા ચાલતા 'કલ્યાણ યાત્રા' નામના માસિકમાં તંત્રી સ્થાને શ્રી જયમલ્લભાઈ પરમાર હતા. આ માસિકમાં શ્રી પીંગળશીભાઈની વાર્તાઓ પ્રગટ થઈ અને આ વાર્તાના સંગ્રહો ‘‘પ્રાગવડનાં પંખી'' અને “ “જીવતરના જોખ” પ્રગટ થયા.
પીંગળશીભાઈ માત્ર વાર્તાઓ લખતા એવું નથી તેમણે ઘણાં કાવ્યો પણ લખ્યાં છે. એમની કવિતા અર્વાચીનને આરાધે છે. અને ભજનો ભક્તિરસ સભર છે. મર્મ અને કટાક્ષ એ પીંગળશીભાઈની કવિતાનાં આગવાં લક્ષણો છે. તેઓ રાષ્ટ્રિય જાગૃતિના પ્રહરી છે. એટલે જ તેમણે રાષ્ટ્રના સારા માઠા પ્રસંગોએ અચૂક કવિતા લખી છે અને સાથે સાથે સમાજ સુધારાનું કામ પણ કરતા રહ્યા છે. તેમનાં કાવ્યો, વાર્તા ફૂલછાબ, જયહિન્દ, સ્ત્રી જીવન, લોક ગુર્જરી અને ઊર્મિનવરચનામાં અવાર-નવાર પ્રગટ થતાં રહ્યાં છે.
ઇ. સ. ૧૯૬૯માં ગાંધીજીની શતાબ્દિ દેશભરમાં ઊજવાઈ રહી હતી. તેમાં ગાંધીકુળ અંગેની અજાણી હકીકતો પીંગળશીભાઈ સતત તેર વરસ સુધી લખતા રહ્યા. સાથે-સાથે ગાંધી ગીત પણ લખ્યાં જે ગાંધીકુળ નામે પ્રગટ થયાં. તેનું એક મહત્વનું પુસ્તક “ગીતા દોહાવલી” છે. ગીતાનો તેણે સાતસો દુહામાં અનુવાદ કર્યો છે જે ભગવત ગીતા અત્યાર સુધી લોકભાષામાં આવી ન હતી, તે પવિત્ર કાર્ય શ્રી પીંગળશીભાઈએ કર્યું. આ પુસ્તકની પ્રસ્તાવના લખતાં કાકાસાહેબ કાલેલકર તેમને મહારાષ્ટ્રના સંત તુકારામ સાથે સરખાવે છે. તેમણે સ્વામીનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીનું પણ દુહામાં રૂપાંતર કર્યું. તેની કવિતા રાષ્ટ્રિય જાગૃતિને ઉપાસે છે. દંભ ઉપર આકરા પ્રહારો કરી આડંબરના અંચળાને બંગથી વીંખીને ઉઘાડો પાડે છે. વીરત્વને બિરદાવે છે. શ્રી મેઘાણીજી પછી સૌરાષ્ટ્રની રસધારા વહાવીને લોકવાર્તાકારોની આગલી હરોળમાં પોતાનું નામ રોશન કર્યું છે. આ રીતે તે સોરઠી સંસ્કૃતિના અખંડ ઉપાસક છે. પોતે ગાવાના શોખીન છે. જૂના લોકગીતના ઢાળ તેમને કંઠે છે. આથી જ સ્થાયી યુગદેવતાની વંદના ચારણધર્મને ઊજળી ચરિતાર્થ કરે છે.
જૂનો જમાનો પદ્ય સંસ્કૃતિનો હતો, કેમકે, લોકસાહિત્ય, લોકવાણી કંઠસ્થ હતાં. હવે જયારે ગદ્યનો જમાનો આવ્યો છે ત્યારે પણ પીંગળશીભાઈએ બંનેને સંતોષ આપ્યો છે.
ભક્તકવિ દુલા કાગ તેમના બે બોલમાં લખે છે, મેઘાણંદ ઋષિના પાટવીપુત્ર મારા ગીત પંખીની પાંખો સમા મેરૂભા ગઢવીના ભાઈ પીંગળશીભાઈ ગઢવીની વાણી અક્ષરદેહે પ્રગટ થતી હોય એનાથી અદકો આનંદ ક્યો હોય? મોતી તો છીપમાં જ નીપજે, એની વાવણી ન થાય."
શ્રી જયમલ્લભાઈ પરમાર લખે છે, “પરાક્રમશીલતા જ્યારે પીંગળશીભાઈની જબાને ચડે ત્યારે વીરત્વના જુસ્સાનો શ્રોતાઓમાં ઉશ્કેરાટ ઊભો થાય."
આકાશવાણીના રાજકોટ કેન્દ્ર આરંભથી જ તેમના કાર્યક્રમો પ્રસારિત કર્યા છે. તેઓ લોકસાહિત્યની જૂની પેઢીના પ્રતિનિધિ હોવા છતાં રૂઢિચુસ્ત વિચારોના બંધનમાં ક્યારેય બંધાતા નથી. તેમના વિચારો આધુનિક છે, તેમની કવિતા અને કહેણીમાં તેનો પડઘો પડે છે. જાહેર કાર્યક્રમમાં તેમની કહેણી અલગ વ્યક્તિત્વ ખડું કરે છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઇ.સ. ૧૯૬૯માં પાંચ ચારણ વિદ્વાન કવિઓનું સન્માન કર્યું. તેમાં પીંગળશીભાઈ પણ હતા. આર્યકન્યા ગુરુકુળ દ્વારા સરસ્વતીના વરદપુત્ર તરીકે ઇ.સ. ૧૯૮૦માં સન્માન સમિતિ મુંબઈ દ્વારા સૌરાષ્ટ્રના લોકપ્રિય તરીકે તેમનું સન્માન કર્યું. ઈ.સ. ૧૯૩૮માં ગુજરાત રાજય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા લોકસાહિત્યક્ષેત્રે કરેલ સેવા બદલ ‘ગુજરાત ગૌરવ” પુરસ્કારથી પુરસ્કૃત કર્યા. એ જ વર્ષ ઇસ્ટ આફ્રિકામાં પણ લોકસાહિત્યના કાર્યક્રમ આપી ગુજરાતનું ગૌરવ વધાર્યું.
ઇ.સ. ૧૯૯૦માં સંગીત, નાટક અને નૃત્યક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારતભરમાંથી પસંદ કરેલા ઉચ્ચકોટિના કલાકારોને અર્પણ કરાતો રાષ્ટ્રિય સ્તરનો પ્રતિષ્ઠિત ‘‘સંગીતનાટય અકાદમીનો એવોર્ડ'' ગુજરાતના પગળશીભાઈ ગઢવીને ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી આર. વેંકટરામે અર્પણ કર્યો. સાહિત્ય ઉપરાંત પીંગળશીભાઈની સમાજસેવા પણ નોંધપાત્ર છે. સરકારી - અને બિનસરકારી અનેક સંસ્થાઓમાં તેઓ સભ્ય પદે રહી ચૂક્યા છે, ચારણ સાંસ્કૃતિક સેવા મંડળના તેઓ પ્રમુખ હતા. શ્રી મેરૂભા ગઢવી કેળવણી ટ્રસ્ટના પણ તે પ્રમુખ હતા. આમ, લોક સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે તેમની સેવા નોંધપાત્ર છે. તેઓ ફક્ત પાંચ જ ધોરણ ભણેલા હોવા છતાં તેણે વિશાળ સાહિત્યની ભેટ આપી છે. કાવ્યસંગ્રહો - સરહદનો સંગ્રામ (૧૯૬૨), નશામુક્તિનાં કાવ્યો (૧૯૬૩), ગીતા દોહાવલી (૧૯૬૫), આરાધ (૧૯૭૩), વેણુનાદ (૧૯૮૦), નિજાનંદ કાવ્યધારા (૧૯૮૬), શિક્ષાપત્રી દોહાવલી અને છંદદર્શન, લોકકથાઓ, જીવતરના જોખ (૧૯૬૪), પ્રાગવડના પંખી (૧૯૬૫), ખમીરવંતાં માનવી (૧૯૭૨) નામ રહંતા ક્કરા (૧૯૮૪): નવલકથાઓ જસમા ઓડણ (૧૯૬૮), ગાંધીકુળ (૧૯૬૯) જ્યારે ગીતનાટિકામાં-દેપાળદે, ધૂંધળીમલ, જીવનમલક અને યુગાવતાર.
તેઓ છ ભાઈ અને એક બહેન, કરસનદાસભાઈ, મેરૂભા, નારણભાઈ, રામભાઈ, નાગભાઈ અને જાનબાઈ બહેન. પરિવારમાં ડો, નરહરદાસભાઈ, ડૉ. કલાભાઈ આ બંને ભાઈઓ તો એમ.એસ.ની ઉપાધિ પ્રાપ્ત કરી ડોક્ટર થયા છે. જયારે લક્ષ્મણભાઈ એમ. એ.,એલ, એલ , બી, કરી વકીલ થયા છે અને ધનરાજભાઈનો સ્વર્ગવાસ થયો છે : પુત્રીઓ ચાર છે. આમ તેના પરિવારનો પરિચય કેળવણી ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે. શ્રી લક્ષ્મણભાઈ વકીલ હોવા છતાં તેણે સાહિત્યવારસો જાળવી રાખેલ છે. તેઓએ પણ ચારણની અસ્મિતા લખી છે. તા. ૩૧-૫-૯૮ શનિવારે જામનગર મુકામે શ્રી પીંગળશીભાઈનું અવસાન થયું.
અસ્તુ....
પ્રેષિત-સંકલનઃ
મયુર.સિધ્ધપુરા-જામનગર
મો.9725630698
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો