ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 14 ડિસેમ્બર, 2017

हिरण हलकारी : रचना :- कवि श्री दाद

હીરણ નદી – એક ચારણ ની નજ઼રે

(છંદ ચારણી)
ડુંગરથી દડતી, ઘાટ ઊતરતી, પડતી પડતી આખડતી

આવે  ઊછળતી, જરા ન ડરતી, હરતી ફરતી મદઝરતી

કિલકારા કરતી, ડગલાં ભરતી, જાય ગરજતી જોરાળી

હિરણ  હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
આંકડિયાવાળી, વેલ્ય ઘટાળી, વેલડિયાળી વૃખવાળી

અવળા આંટાળી, જામી જાળી, ભેખડિયાળી ભેવાળી

તેને દઈ તાળી, જાતાં ભાળી, લાખણિયાળી લટકાળી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
જોગંદ જટાળા, ભૂરી લટાળા, ચાલ છટાળા, ચરચાળા

ડણકે ડાઢાળા, સિંહણ બાળા, દસ હાથાળા, દઈ તાળા

મોટા માથાળા, ગ્રજવે ગાળા, હિરણિયાળા હુંકારી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ગાગડિયાવાળી, માઁ મમતાળી, ખોડલ માડી ખપરાળી

બેઠી ત્યાં બાળી, કાયમ કાળી, જતન કરાળી, જોરાળી

થાનક લઈ થાળી, નિવેદવાળી, માનવ આવે સરધાળી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ડેડાં ડળવળતાં, ઝૂંડ ઝંબૂળતાં, મઘરા ફરતા મોં ફાડી

જળકૂકડા ચરતાં, બતક વિહરતાં, દાદુર ડહતા દિનદાડી

માછલીયું ટોળાં, કરે કિલોળા, બગલાં બોળા બહુ ભારી

હિરણ  હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
આંબા આંબલીયું, ઉમ ઉંબરીયું, ખેર ખીજડીયું, બોરડીયું

કેસુડાં ફળિયું, વા ખાખરિયું, હેમની કળીયું, આવળિયું

પૃથ્વી ઊતરીયું સ્વર્ગીય પરીયું, વેલ્યું વળિયું જળ ઢાળી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
રાણ્યું કોળંબા લઈ અવળંબા, જુવે જળંબા જળબંબા

કરી કેશ કલંબા, બિખરી લંબા, જે જગદંબા બન અંબા

*દાદ*લ દિલરંગી, છંદ ત્રિભંગી બની ઉમંગી બિરદાળી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
વર્ષામાં ઘેલી, જોમ ભરેલી, નદી નવેલી નવઢાસી

સહુ નદીયું પહેલી, જાતી વહેલી, સાગરઘેલી ચપલાસી

ઠેબે દઈ ઠેલી, હા, હડસેલી, મારગ મેલી ખરતાળી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ફળફૂલ ખીલંતા, કોષ કીલંતા, પૂંછ ફીરંતા પચરંગી

થૈ થૈ થનગનતાં, મયૂરા કરતાં, નિત નટખટતાં નવરંગી

ઢેલડીયું ઢુંગા, ચણતી રૂંગા; એવા મૂંગા દૃશ્યવાળી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ખળખળતાં ઝરણાં, લીલાં તરણાં, ચરતાં હરણાં, ઠેક ભરે

કંઈ શ્વેત સુવર્ણા, નીલં વરણાં કંકુ ચરણાં ફૂલ કરે

મધુકર ગુંજારં, ભાત અઢારં, બની બહારં બૃદવાળી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

– કવિ દાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો