ભારતમાં સનાતન વૈદિક ધર્મની ભક્તિ પરંપરાનું જતન આપણા સંતો, ભક્તો અને કવિઓએ કર્યું છે. મધ્યકાલીન ગુજરાતમાં વૈષ્ણવભક્તિ કેન્દ્રસ્થાને છે. ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિના વાહકો તરીકે આપણા સંતોનું યોગદાન અનન્ય છે. આ પરંપરામાં ચારણ મહાત્મા ઇશરદાસજી અને ભક્તકવિ સાંયાજી ઝૂલાની કાવ્ય રચનાઓ વિશેષ આદરને પાત્ર બની છે.
ઇડર રાજ્યના ભિલોડા તાલુકાના લીલછા ગામના જાગીરદાર શીવધર્મી સ્વામીદાસજી ઝૂલાને ત્યાં સાંયાજી ઝૂલાનો જન્મ વિ.સ.૧૬૩૨ના ભાદરવા મહીનાની વદ નોમના દિવસે થયેલો. ભક્તિ સાંયાજી ઝૂલાને વારસામાં જ મળેલી.
વિક્રમના સત્તરમાં સૈકામાં ઇડર રાજ્ય ખૂબ પ્રભાવિ રાજ્ય હતું. સાંયાજી ઝૂલા ઇડર વિદ્યાભ્યાસ માટે ગયા ત્યાં સુલેમાન જમાદાર નામના મુસ્લીમ સજ્જને સાંયાજીને વિદ્યાભ્યાસની સગવડ કરી આપી તેમજ મહાત્મા હરિદાસજીના શિષ્ય પ.પૂ. ગોવિંદદાસજીની મુલાકાત કરાવી. સાંયાજીના વ્યક્તિત્વથી પ.પૂ. ગોવિંદદાસજી પ્રભાવિત થયા અને તેમણે સાંયાજીને પોતાના શિષ્ય બનાવ્યા. ગુરૂના સાનિધ્યમાં સાંયાજીને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો.
મધ્યકાલીન ચારણ કવિઓ ડિંગળ ભાષામાં કાવ્યો રચતાં હતા અને રાજદરબારોમાં રાજકવિ તરીકેની પદવી પ્રાપ્ત કરતા. સાંયાજી ઝૂલાને પણ ચારણત્વ ગળથૂથીમાંથી જ મળેલું. તે વખતના ઈડર રાજ્યના પ્રતાપી રાજા રાવ વિરમદેવ સાંયાજી ઝૂલાની કાવ્યપ્રતિભાથી પ્રભાવિત થયાં અને સાંયાજી ઝૂલાને લાખ પસાવથી સન્માનિત કરી રાજકવિની પદવી આપી. રાજસ્થાન અને ગુજરાતના રાજાઓમાં સાંયાજી ઝૂલાની ભક્તકવિ તરીકેની ખૂબ જ પ્રતિષ્ઠા થઈ.
ઇડર રાજ્યના પ્રતાપી રાજા રાવ વિરમદેવનું અવસાન થવાથી તેમના સ્થાને મેવાડના મહારાણા પ્રતાપના ભાણેજ અને રાવ વિરમદેવના નાનાભાઈ રાવ કલ્યાણમલ ઇડરની ગાદીએ બેઠા. તે અરસામાં સાંયાજી ઝૂલાએ તેમની ભક્તિસભર કાવ્ય રચનાઓ ‘રૂષમણી હરણ’ ‘નાગદમણ’ અને ‘અંગદ વિષ્ટિ’ લખી. સાંયાજીની આ ભક્તિરસથી ભરપૂર કાવ્યરચનાઓથી ઇડરના મહારાજા રાવ કલ્યાણમલ પ્રભાવિત થયાં અને તેમણે સાંયાજી ઝૂલાને લાખ પસાવથી સન્માનિત કરી કુવાવા ગામ શાસણ કર્યું. કુવાવા ગામની જાગીરી મળ્યા પછી સાંયાજીએ કુવાવા ગામ ફરતો ગઢ અને કુવો ચણાવ્યાં. પોતે વૈષ્ણવભક્ત હોઈ ગઢમાં શ્રી ગોપીનાથજીનું શીખર બંધ મંદિર ચણાવ્યું. દ્વારકાથી સોનામહોરો લઈને આવેલી સાંઢણીની સ્મૃતિમાં સાંઢપગલા ચણાવ્યા.
કુવાવાનો ગઢ, શ્રી ગોપીનાથજીનું મંદિર, સાંઢકુવો અને સાંઢણીના પગલાવાળો ઓટલો તેમજ કુવાવા ગામ શાસણ કર્યાનો શીલાલેખ આજે ય કુવાવા ગામમાં છે.
ભારતની મધ્યકાલીન ભક્તિ પરંપરામાં સંતો અને ભક્તકવિઓનું જીવન રહસ્યાનુભૂતિ અને ચમત્કારોથી ભરપૂર જોવા મળે છે. સાંયાજી ઝૂલાનું જીવન પણ એમાં અપવાદ નથી. તેમની કાવ્યપ્રતિભા, ઉત્કટ ભક્તિ અને ચમત્કારોથી ભરેલું જીવન લોકોમાં વિશેષ આદરને પાત્ર બન્યું હતું. કહેવાય છે કે ઇડર રાજદરબારમાં બેઠા બેઠા સાંયાજી ઝૂલાએ દ્વારકાના મંદિરમાં ભગવાનના વાઘા સળગેલા તે હોલવેલા.પાછળથી ઇડરના મહારાજાએ આ વાતની ખરાઈ પણ કરેલી. આવા અનેક ચમત્કારો ભક્તકવિ સાંયાજી ઝૂલાના જીવનમાં બનેલા છે. કૂવાવા ગામમાં સાંયાજીના વંશજો આજે પણ રહે છે અને દર વર્ષે ભાદરવા વદ નોમના દિવસે સાંયાજી ઝૂલાની જન્મજયંતી ધામધૂમથી ઉજવે છે.
ડૉ. દિલીપ ચારણ
ગુજરાત યુનિવર્સિટી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો