ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 12 એપ્રિલ, 2018

ચારણોનું કર્મ શું હતુ તે સમજાવતી એક કવિશ્રી કાગબાપુની રચના

ચારણોનું કર્મ શું હતુ તે સમજાવતી એક કવિશ્રી કાગબાપુની રચના

                   *એ ચારણનું કર્મ હતું*

છંદ - ત્રીભંગી

સત્ ઉચ્ચરવાનું, તપ કરવાનું એ ચારણનું કર્મ હતું
                જી, એ ચારણનું કર્મ હતું  (ટેક)

ઈર્ષા કરવાનું મદ ધરવાનું , માગણ વ્રુત્તિએ ફરવાનું ;
પર ધન હરવાનું , સંઘરવાનું , ભીખે ઉદર ભરવાનું ;
ઘર ઘર ફરવાનું કામ વિનાનું , દેવી બાલકમાં ન હતું.
સત્ ઉચ્ચરવાનું, તપ કરવાનું એ ચારણનું કર્મ હતું  (1)  

સદગુણ સમજવાનું , હરિ ભજવાનું , ગાન મનોહર ગાવાનું ;
ઈતિહાસ કથા , શુભ રાજ પ્રજાની, સમજીને સમજાવાનું ;
આલસ તજવાનું , સુપથ થવાનું , શીલયુક્ત દ્રઢ સુત્ર હતું ;
સત્ ઉચ્ચરવાનું, તપ કરવાનું એ ચારણનું કર્મ હતું (2)

મન સબર વિનાનું , પશુ -પંખીની , કબર ઉદરમાં કરવાનું ,
દારુ પીવાનું ભાંગ મફર ને, અફીણ કદી કર ધરવાનું ,
ઝોંકા ખાવાનું , તસગરવાનું , દેવ તણે અંગે ન હતું,
સત્ ઉચ્ચરવાનું, તપ કરવાનું એ ચારણનું કર્મ હતું (3)

ઈશ્વરથી ડરતા, પર દુ:ખ હરતા , માત્રુભુમિ માટે મરતા,
સાચું કરતાં મુખ ઉચ્ચરતાં, મન મહિપતિથી ન જરા ડરતાં,
ત્રંબાલ ગગડતાં , સન્મુખ મરતાં, મન કાયર એનું ન હતું,
સત્ ઉચ્ચરવાનું, તપ કરવાનું એ ચારણનું કર્મ હતું (4)

લંપટ બનવાનું, હડતડવાનું,ગોત્રજ ગરદન કરવાનું,
ચાડી ખાવાનું, નહિ ના'વાનુ, કુટુંબકલેશ આદરવાનું,
આમંત્રણ વિણ પર ઘર જાવાનું, કદીયે દિલ એનું ન થતું,
સત્ ઉચ્ચરવાનું, તપ કરવાનું એ ચારણનું કર્મ હતું (5)

નિજ વંશ વિચારી , ગૌરવ ધારી, પ્રિય ત્રીપુરારિ સંસ્કારી,
કવિતા પરચારી, પર ઉપકારી, દક્ષ વિચારી દાતારી;
એવા અવતારી ચાપણ ભારી, *"કાગ"* નિરખવા દિલ થતું
સત્ ઉચ્ચરવાનું, તપ કરવાનું એ ચારણનું કર્મ હતું (6)

*નોંધ :-*
*ચારણત્વ બ્લૉગના અવનવા અપડેટસ્ અને ચારણી સાહિત્ય આપના મોબાઈલમાં મેળવવા માટે આ નંબર 9687573577 (મનુદાન ગઢવી,ભાદરા) સેવ કરીને તેના પર મેસેજ કરવા વિનંતી છે.*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...