ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 7 ડિસેમ્બર, 2017

आई श्री होल मां

બ્રહ્મ ચારણી આઈ હોલ માઁ..

વઢવાણ અને વાંકાનેરની ગાદી ઉપર જશદેવ ઉર્ફે ધાનાવાળા રાજ કરતા હતા. ધાનાવાળાએ મહાયજ્ઞ કરેલો. આ યજ્ઞમાં ઘી હોમવા માટે ઘી નું ગારીયું કરવામાં આવેલ. જે સ્થળે ગારીયું કરવામાં આવેલ, ત્યાં જે ગામ વસ્યું તે ગામ ગારીયા તરીકે ઓળખાયું.
આ ગારીયા ગામ મૈકા ગામ નજીક ધાનાવાળાનાં દશોંદી ચારણ એભલ ઉઢાસ નો નેશ હતો. એભલ ઉઢાસ ધાર્મિક અને અડાબીડ ચારણ હતા. તેને હિંગળાજ સ્વરૂપા આઈ હોલ નામે પુત્રી હતી. આઈ હોલ બાળપણથી જ આકરાં તપ બ્રહ્મચર્યાદિ વ્રત, નિષ્કામ ભક્તિ, પરોપકારી સાદુ જીવન અને જનહીતનાં કાર્યો દ્વારા સર્વત્ર ‘આઈ માઁ’ તરીકે પ્રસિધ્ધી પામ્યા હતા. સાધુ-સંતો-અતિથીઓને જમાડી ને પછી જ જમવાનું તેમને નીમ હતું. એભલ ઉઢાસને ગાયો-ભેંસોનું ખાડું તેમજ અશ્વ ઉછેર નો મુખ્ય વ્યવસાય હતો, એટલે એને આંગણે મેહમાનોનો દાયરો કાયમી રેહતો. આઈ હોલ ઉમરલાયક થતાં એભલ ચારણ જેવા મહાપરાક્રમી ચારણનાં સગા થવા માટે, આઈ હોલનાં સંબંધ માટે માંગા આવવા લાગ્યા. આ સમાચાર જાણી, આઈ હોલે તેમનાં પિતાશ્રીને વિનયથી કહ્યું કે, “બાપુ ! મેં આજીવન બ્રહ્મચારણી વ્રત લીધું છે. મારે માઁ આદ્યશક્તિની ભક્તિમાં જ મારું જીવન વ્યતિત કરવું છે. મારો જન્મ પણ માઁની ભક્તિ માટે જ થયો છે”. એભલે કહ્યું કે, “માઁ, તમારી બધી વાત સાચી છે, પરંતુ શાસ્ત્રોમાં તો ગૃહસ્થાધર્મ સર્વશ્રેષ્ઠ કહ્યો છે. સંસારમાં રહીને પણ ભક્તિ કરી શકાય. આપણા ચારણોમાં તો જે-જે શક્તિઓ-માતાજીઓ પ્રગટી છે તે બધી જ ગૃહસ્થાધર્મને દીપાવીને જગદંબા તરીકે પુજાણી છે.”. પિતાની વાત સાંભળી આઈ હોલે કહ્યું કે, “બાપુજી, મારી એક શરત છે કે મારો સબંધ જે કોઇ કરવા આવે ત્યારે ચુંદડી ઓઢાડવા આવે અને જો ચુંદડી મારા માથા પર બળે નહીં ને રહે તો હું તેની સાથે લગ્નગ્રંથી થી જોડાઈશ.”.
ચારણ તરફથી આઈ હોલનાં માંગા આવતા જાય છે અને ચુંદડી ઓઢાડતાં જ બળીને ભસ્મ થઈ જાય છે. અને માંગાવાળા નીરાશ વદને પાછાં ચાલ્યા જાય છે. એભલ ગઢવીનાં બનેવી ખોડ ગામનાં ચાંખડા મારૂ હતા. ચાંખડા મારૂને બાર ગામની જાગીર હતી. માલધારી ઊપરાંત ઉત્તમ પ્રકારનાં અશ્વોનો ઉછેર અને રાજદરબારોને અશ્વો વેંચાણ કરવાનો તેમનો મુખ્ય વ્યવસાય હતો. વિદ્વાન ચારણ હોવાને કારણે, તેમનું નામ અને માન દુર-દુર દેશાવર સુધી વિસ્તરેલ હતું. આ ચાંખડા મારૂને સોનંગ નામે એક પુત્ર હતો. આ સોનંગ, એભલ ગઢવી નો ભાણેજ થતો હતો. ચાંખડો મારૂ પોતાના પુત્ર સોનંગનાં સબંધનું એભલ ગઢવીને ત્યાં માંગું નાંખતા કહે છે કે,”હું તારા ભાણેજનો સંબંધ કરવા આવ્યો છું. આપણામાં તો આ રિવાજ છે.” ચાંખડા બનેવીની વાત સાંભળી અને એભલે પોતાની દિકરીનાં નિયમની વાત કરી. ચાંખડો મારૂ ચુંદડી મંગાવે છે અને પોતાનાં દિકરા સોનંગનાં નામની ચંદડી આઈ હોલનાં માથા પર ઓઢાળે છે. સતિત્વનાં પ્રતાપે આઈ હોલનાં માથાં પર ચુંદડી ઓઢાડતાં જ બળીને રાખ થઈ જાય છે.
હઠીલો ચારણ ચાંખડાને કોઈ નાં પાડે એ એનાંથી સહન થતું નહીં, એટલે એભલ ગઢવીને કહે છે કે, ”ચુંદડી બળી જાય કે સલામત રહે એ હું કાંઈ ન જાણું. મારે મારાં દિકરા સોનંગનો સંબંધ તમારે ત્યાં જ કરવો છે. હા કહો કે ના કહો એમાં મીનમેખ નથી.”. આમ, વાદ-વિવાદ સાંભળી આઈ હોલ ચાંખડાની સામે આવીને કહેવા લાગ્યા કે, “મામા, મારે બ્રહ્મચારણી વ્રત છે. હું આદ્યશક્તિ જગદંબાની કૃપાથી આ વ્રત પાળી રહી છું. તમે તમારાં પુત્ર સોનંગની વાત કરો છો, પરંતુ દૈવીશક્તિનાં બળે મને એની આવરદા પુર્ણ થઈ ગયેલી દેખાય છે, માટે આપનાં ગામમાં આપની સૌ રાહ જોવે છે”. આ વાત ચાંખડાએ સાંભળતાં જ પગથી પૃથ્વી સરતી લાગી અને ધ્રુજી ઉઠ્યો. મારતે ઘોડે ખોડ ગામે રવાના થયો. ગામને પાધર ગામનાં લોકો નનામી સાથે સ્મશાનયાત્રામાં હાલ્યા આવતાં જોય, ચાંખડો મારૂ ઘોડાં પરથી નિચે ઉતરી પુછે છે કે કોણ ગુજરી ગયું છે, ત્યારે ડાઘુઓએ કહ્યું કે તમારો દિકરો સોનંગ ઘોડાં ઉપરથી પડી જતાં મૃત્યુ પામ્યો છે. ચાંખડો મારૂ ભાંગી પડે છે. સોનંગનાં અગ્નિસંસ્કાર વિધિ પુર્ણ કરી સૌ ગામ માં આવે છે, ત્યાં સમાચાર મળે છે કે આઈ હોલ સતી થાય છે. ચાંખડો મારૂ સાક્ષાત જગદંબા આઈ હોલનાં છેલ્લાં દર્શન કરવા મારતે ઘોડે રવાનાં થાય છે. આઈ હોલે એભલ ગઢવીને કહ્યું કે, ”બાપુ, મારી હવે ચિત્તા ખડકાવો. હવે મારો સમય પુરો થઈ ગયો છે. મારે સતી થવું છે”. ચિતાની તૈયારી કરવામાં આવે છે. ખોડ ગામથી ચાંખડો માતાજીનાં દર્શન માટે આવી પહોંચે છે. આઈ હોલનાં દર્શન કરી ચાંખડો માફી માંગે છે અને કહેવા લાગે છે કે, “આઈ હોલમાં, તમો તો હિંગળાજનો અવતાર છો. મારાં ગુનાની ઉદાર હૃદયે માફી આપો. મારી ભુલ થઈ, મને માફ કરી દો”. આઈ હોલ કહે છે કે, “મામા, તમારો વાંક નથી, મારો સમય પુરો થયો છે. ભાગ્યનાં લેખ પ્રમાણે રહેવું જોઈએ. તમારી જે ઈચ્છા હોય તે માંગો. ચાંખડો મારૂ માઁ પાસે માંગે છે કે, “આઈ જગદંબા, તમારાં જેવી દિકરી અમારાં ઘરે અવતરે તો અમારૂં જીવન ધન્ય બની જાય.” માઁએ આશિર્વાદ આપ્યાં.
આઈ હોલ ચિતામાં ચડી અંગુઠાથી યોગાગ્નિ પ્રગ્ટાવી સતી થયાં.
આઈ હોલ માતાજીનું સ્થાનક વાંકાનેર નજીક ગારીયા(ગારીડા) અને મૈકા ગામ પાસે, હોલગઢ માં આવેલું છે. ચાંખડા મારૂને ત્યાં આઈ હોલ માતાજીનાં આશિર્વાદથી આઈ વરૂડી માઁનો જન્મ થયો હતો. ચારણોમાં ઉઢાસ શાખાનાં ચારણો કુળદેવી તરીકે અને વાળા દરબારો આઈ હોલને સતી માતાજી તરીકે પુજે છે.

– ગઢવી કલાભાઈ બાલુભાઈ ઉઢાસ (ઢાંકવાળા)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...