- પાકિસ્તાન આર્મી અને વહીવટી તંત્ર આપે છે તન અને મનથી સેવા
- દશેરાના દિવસે હજારોની સંખ્યામાં ઊમટતા લોકોની સેવામાં મુસ્લિમ ભાઈઓ જોડાય છે
સનાતન ધર્મમાં 51 શક્તિ પીઠ પૈકી પ્રથમ શક્તિ પીઠ જ્યાં આવેલી છે એવા પાકિસ્તાન સ્થિત પ્રસિદ્ધ હિંગળાજ માતાજીના સ્થાનકે આસો નવરાત્રિમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. અહીં સિંઘ પ્રાંતમાંથી લોકો 700થી 800 કિલોમીટરની 15 દિવસ લાંબી પદયાત્રા ખેડી હિંગોળગઢ માં હિંગળાજના દર્શને પહોંચે છે. જેની સેવા અને સુરક્ષા પાકિસ્તાન આર્મીના જવાનો ખડેપગે કરે છે.
બલુચીસ્તાન પ્રાંતમાં આવેલું છે હિંગળાજ માતાજીનું મંદિર
પાકિસ્તાન સ્થિત બલુચીસ્તાન પ્રાંતના લસબેલા વિસ્તારમાં આવેલા હિંગળાજ માતાજી મંદિરના મુખ્ય વ્યવસ્થાપક વેરસીમલ દેવાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વર્ષમાં આવતી આસો અને ચૈત્રી નવરાત્રિ પ્રસંગે માતાજીની પુરા ભાવ અને શ્રદ્ધા પૂર્વક આરાધના કરવામાં આવે છે. આ પૂજાનું ખૂબ ઊંચું મહત્વ રહેલું છે. લોકો સેંકડો કિલોમીટરનો પંથ કાપી પદયાત્રા દ્વારા માં હિંગળાજના દર્શને આવે છે. જેની સુરક્ષા વ્યવસ્થા વહીવટી તંત્ર અને આર્મી સાંભળે છે. આર્મીના જવાનો પદયાત્રિકો માટે ચા પાણીની સુવિધા પણ સેવારૂપે કરે છે.
બાલિકા પૂજનનું વિશેષ મહત્વ
આસો નવરાત્રિના આઠમની રાત્રે મંદિર સંકુલમાં હોમ હવન વિધિ દરમ્યાન ઉપસ્થિત 200 જેટલી નાની બલિકાઓની સાથે 9 બાલિકાઓની નવદુર્ગા સ્વરૂપે ખાસ પૂજન કરવામાં આવે છે. બાલિકાઓને આશન પર બિરાજમાન કરી માતાજીની આરાધના સાથે ધાર્મિક વિધિ મુજબ માથે લાલ ચૂંદડી ઓઢાવી કપાળે કંકુ તિલક કરી , પગ ધોવડાવી શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પૂજવામાં આવે છે અને ત્યાર બાદ તેમને જળપાન કરાવી ભેટ સ્વરૂપે સોગાદ પણ આપવામાં આવે છે. અહીં નવરાત્રિ પર્વે ખાસ માતાજીની વાડી ઉગાડવામાં આવે છે. વાડીના હજારોની સંખ્યામાં આવેલા ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. સ્થાનિક મુસ્લિમ ભાઈઓ વ્યવસ્થામાં પૂરતો સાથ સહકાર આપે છે
મંદિર પાસે આવેલા છે ત્રણ જ્વાળામુખી
પૌરાણિક માન્યતાઓ અનુસાર, હિંગળાજ મંદિર જ્યાં સ્થિત છે ત્યાં ભગવાન શિવની પ્રથમ પત્ની, દેવી સતીનું માથુ પડ્યુ હતું. તેથી માતા મંદિરમાં તેના સંપૂર્ણ સ્વરૂપમાં દેખાતી નથી, માત્ર માતાનું માથુ જ દેખાય છે. આ મંદિર કરાંચી 250 કિ.મીના અંતરે આવેલુ છે. મંદિર પાસે ત્રણ જ્વાળામુખી પણ છે. જેને ગણેશ, શિવ અને પાર્વતીના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. મંદિરમાં આવીને માંગવામાં આવેલી દરેક મનોકામના પૂર્ણ થતી હોવાનું માનવામાં આવે છે. આ મંદિર પાકિસ્તાનમાં હોવાથી ભારતમાંથી ઓછી સંખ્યામાં ભક્તો જાય છે. જે ભક્તોને આ મંદિરે જવું હોય તેને પાકિસ્તાન સરકાર પાસેથી પરમિશન લેવી પડે છે
જય માતાજી 🚩
જવાબ આપોકાઢી નાખો