આઈ શ્રીવરૂડી માંની પ્રાગટય કથા
કચ્છ- વાગડ માં પંખી ના માળા જેટલું ખોડાસર ગામે સાંખડા નરા નામનો ચારણ રહેતો હતો. સાંખડા ચારણને દર વર્ષે પગપાળા હિંગળાજ માતા એ જવાની નેમ હતી. એટલે તે સિંધમાં એટલે આજના પાકિસ્તાન મા તેમની કુળદેવી આઈ હિંગળાજ ના દશૅને ગયા હતા. તે વખતે એવુ કહેવાય છે કે ચાલતા હિંગળાજ માતા એ જતા ત્રણ મહિના થતા.
સાંખડોજી હિંગળાજ માતા એ પહોચ્યાં, માતાજી ના દશૅન કર્યા, અને પુજારીને શ્રીફળ આપતા કહ્યું લ્યો આ શ્રીફળ માતાજીને ધરાવો, પણ આ શું જેવું પુજારી શ્રીફળ વધેરવા ગયા ત્યાં તો તેમના હાથમાં શ્રીફળનાં બે કટકા થઇ ગયા,એટલે સાંખડાજીએ બિજુ આપ્યું તેના પણ બે કટકા થે ગયા. આમ કરતાં પુજારીના હાથમા સાત સાત શ્રીફળના બે કટકા થઇ ગયાં. સાંખડોજી સમજી ગયા કે નેહડે નક્કી કોઈ અઘટિત ઘટના બની છે નહિતો આવુ થાય નહિ. માતાજીને મનોમન પ્રાથૅના કરવા લાગ્યા..કે હે..માવડી…માં જગદંબા…રખોપા રાખજે માં…
ચારણ ઊંઘમાંથી જાગી ગયાં,ને વિચારવા લાગ્યા કે ત્રણ મહિને ઘરે પહોચાય. સાત દિવસમાં કેવી રીતે પહોચાશે..આંખે આંસુંડાની ધાર વહેવા લાગી…માંને કગરવા લાગ્યા…આ તે કેવી કસોટી માં,મને માર્ગ બતાવ માડી.. આ સાંભળી પુજારી જાગી ગયાં.શું થયુ ચારણ ? સાંખડાજીએ બધી વાત કરી….પુજારીએ આસ્વાસન આપતા કહ્યુ..ચિંતા કરશો મા ચારણ..જગદંબા હિંગલાજ તમારી વહારે આવશે…તમ તમારે માતાજીનું નામ લઈ હાલી નીકળો…
માતાજીના નામનું રટણ કરતા કરતા સાંખડોજી હાલવા માંડ્યા..દિવસે ના કપાય એટલો માર્ગ રાતે ને રાતે ના કપાય એટલો માર્ગ દિવસે કપાવા લાગ્યો…માતાજીએ સહાય કરીને બરોબર સાતમા દહાડે(દિવસે) ગામને પાદર પહોંચી ગયા…નેહડે પહોચતા જ બધાને પુછયુ કે મારી દિકરીને તમે ક્યાં દાટી છે. જટ મને તે જગ્યા બતાવો..લોકો વિચારવા લાગ્યા કે આમને ક્યાંથી ખબર પડી કે દિકરીને જનમતાજ ભોંયમા દાટી દીધી છે…
લોકોએ કહ્યુ કે દીકરીનું જનમતા જ વરવુ રુપ હતુ અને આગલા બે દાંત લોઢા જેવા કાળા ને મોઢું બિહામણું દેખીને એને ડાકણ સમજી સગાંએ ગામને પાદર વડ નીચે છ દિવસથી ભોયમાં દાટી છે..અને હવે તો તે જીવીત પણ નહીં હોય..સાંખડોજી દોડીને વડલા નીચે પહોચ્યાને ખોદવા લાગ્યા….
અને આ શું ? દીકરી જીવીત હતી. લોકો આ જોઈ વિચારમા પડી ગયા કે છ દિવસથી હવા,પાણી,ને માના ધાવણ વગર આ જીવીત છે…નક્કી આ કોઈ જગદંબાનો અવતાર છે.
બાપે આવીને જીવતાં ખોદી કાઢેલાં, કદરૂપાં ખરાં ને, એટલે નામ વરવડી (વરૂડી) પાડ્યું.
અને બધાએ ભેગા થઇ આઈ શ્રી વરૂડી માંની જય બોલાવી…
સમય જતા વાર નથી લાગતી અને એક વખત કચ્છમાં દુકાળ પડ્યો.પાણી અને ઘાંસચારો સુકાવા માડ્યાં..ઢોરઢાંખર ઘાસચારા વગર મરવા લાગ્યા…સાંખડા ચારણે બધાને ભેગા કરી કહ્યુ કે આ કારમા દુકાળમાં આપણા ઢોરઢાંખર ને આપણે જીવવા હારુ હવે આ ધરતી ને છોડવી પડશે..સૌએ આઈ વરૂડીમાને પુછ્યુ.
એટલે માતાજી એ ધ્યાન ધરી સૌને કહ્યુ કે દખ્ખણ દિશાની ધરતી હરિયાળી છે. ત્યાં પાણી અને ઘાસચારો ખૂબ જ છે અને આઈ વરૂડીમાની જય બોલાવી સૌવ ચાલી નીકળ્યાં..ને જે ધરતી પર આવ્યા તે ફુલઝર નદી ને કાંઠે આજનું ધુળશીયા ગામ છે.
આજે પણ માઁ વરૂડી ના પરચા અપરંપાર છે.
જામનગર જીલ્લા ના કાલાવડ તાલુકામાં ચકલીના માળા જેવડું ધુળસીયા ગામ આવેલું છે. જ્યાં આઈ શ્રી વરૂડી માં નું દિવ્યમંદિર આવેલું છે. જે કાલાવડ થી 12 કિલોમીટર અને જામનગર થી 36 કિલોમીટર દૂર થાય
આગામે આઈ વરૂડી માઁ નુ મંદિર અને વડલો તથા નવઘણ સેનાના ઘોડાને માટે ધાન્ય નો ઢગલો એટલે કે ધુડીયા ઢગ, જે આ ઇતિહાસ ની સાક્ષી પુરે છે….અહીંયા માતાજી નું પાવનકારી સ્થાનક છે જ્યાં માં વરૂડી બેન જટૂકલી અને ચરૂડીની સાથે બિરાજમાન છે. આ મંદિર માં દર વર્ષે સ્વયંભૂ એક ત્રિશૂળ પ્રગટે છે.
વરૂડી માનું હજી એક જાગતું સ્થાન રાપર તાલુકા કચ્છ વાગડ માં બેલા માં પણ છે.
વધુ ઇતિહાસ ના પાનાં ફેરવતા
હળવદ તાલુકાનુ કચ્છના નાના રણકાંઠે આવેલુ નાનુ એવું ખોડ ગામ ઇતિહાસના પાને બહુ મોટુ નામ ધરાવે છે..એક સમયનુ બંદર કે જયાં દરિયો ઘુઘવતો હતો અને વહાણો લાંગરતા હતા એવુ સમૃધ્ધ ખોડ ગામના જ એક ચારણનો ઘોડો મહારાણા પ્રતાપને અર્પણ કરવામા આવ્યો હતો જે તેમનો માનીતો બની સાથે રહ્યો હતો તે ચેતક ઘોડો..
અને બીજી વાત કે પોતાની માનેલી બહેન જાહલને સીંધનો હમીર સુમરો જ્યારે ઉઠાવી ગયો ત્યારે બહેનના શીરળની રક્ષા કાજે ભાઈ જુનાગઢનો રાજધણી રા’નવઘણ સીંધમા જવા નિકળ્યો ત્યારે ખોડ ગામની સીમમા આઇ માતા વરુડી ( વરુવડી -એટલે કે દેખાવે જે રુડી નથી ) નવઘણની નવલખી સેનાને રોકી એક નાની કુલડીમા રાંધી કટક જમાડેલ અને ત્યાંથી દરીયા વાટે જવાનો રસ્તો કરી આપ્યો હતો..નવઘણના ભાલે માતા વરુડી દેવચકલી સ્વરુપે બેસી દરીયામા રસ્તો કરી આપ્યો હતો અને ત્યાં પહોંચી રા’ ઍ હમીર સુમરાને મારી પોતાની માનેલી બહેન જાહલની લાજ રાખી હતી…
આજે ખોડ ગામમા દરિયો તો નથી પણ માતા વરુડીનુ મંદિર તથા ગામનો સોનેરી ઇતિહાસ અડીખમ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો