ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 7 જાન્યુઆરી, 2017

कवि श्री तखतदान रोहडीया.( दान अलगारी ) नुं अवसान

आज गुजरात के चारणकवि तखतदान रोहडिया "दान अलगारी का अवसान हो गया । प्रभु उनकी आत्मा को शांति प्रदान करे। कवि उदयन ठक्कर नें मुंबई समाचार में उनकी एक प्रसिद्ध रचना "मोज मां रेवूं" का आस्वाद करवाया है। जिन मित्रों को गुजराती आती हो वे इस रचना का आस्वाद ले सकते है।

મોજમાં રેવું

મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે…
અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે… મોજમાં રેવું…

કાળમીંઢ પાણાના કાળજાં ચીરીને કૂંપળું ફૂટે રે,
આભ ધરા બીચ રમત્યું હાલે, ખેલ ના ખૂટે રે,
આ લહેર આવે લખલાખ રત્નાકરની લૂંટતા રેવું રે… મોજમાં રેવું

કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે,
મરવું જાણે મરજીવા ઇ તો રમતા તાલે રે,
એનો અંત આદિ નવ જાણ્ય તારે તો તરતા રેવું રે… મોજમાં રેવું

લાય લાગે તોય બળે નઇ એવા કાળજા કીધાં રે,
દરિયો ખારો ને વિરડા મીઠા દાખલા દીધા રે,
જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું રે… મોજમાં રેવું

સંસાર ખોટો કે સપનું ખોટું સૂજ પડે નઈ રે,
આવા યુગ વીત્યા ને યુગની પણ જુવો સદીયું થઈ ગઈ રે,
મોટા મરમી પણ એનો મરમ ન જાણે કૌતુક કેવું રે… મોજમાં રેવું

ગોતવા જાવ તો મળે નઈ ગોત્યો ગહન ગોવિંદો રે,
હરિ ભગતું ને હાથ વગો છે પ્રેમનો પરખંદો રે,
આવા દેવને દિવો કે ધૂપ શું દેવો દિલ દઈ દેવું રે… મોજમાં રેવું

રામ કૃપા અને રોજ દિવાળી રંગનાં ટાણાં રે,
કામ કરે એની કોઠીએ કદી ખૂટે ન દાણા રે,
કીએ અલગારી આળસુ થઈ નવ આયખું ખોવું રે… મોજમાં રેવું

મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે,
અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે… મોજમાં રેવું…

– તખ્તદાન રોહડિયા ‘દાન અલગારી’

પથ્થરની કેદને કુમળી હથોડી વડે તોડી શકે, તેનું નામ કૂંપળ 

'મોજ' એટલે 'મસ્તીનો ભાવ' અથવા 'મોજું.' કવિ ત્રણ ત્રણ મોજાં વડે આપણને રસતરબોળ કરે છે- મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે…
'અગમ' એટલે પહોંચી ન શકાય તેવું. 'ગો' એટલે ઇન્દ્રિય અને 'અગોચર' એટલે ઇન્દ્રિયોથી પામી ન શકાય તેવું. 'અલખ' (અલક્ષ્ય) એટલે જોઈ ન શકાય તેવું. આપણે આવા સૂક્ષ્મ પરમાત્માની ખોજમાં રચ્યાપચ્યા રહેવાનું છે.પથ્થરની કેદને કુમળી હથોડી વડે તોડી શકે, તેનું નામ કૂંપળ. આપણે પણ દુ:ખસોંસરા ઊગી નીકળવાનું છે. ઋતુચક્રની રમત્યું જુગજુગથી હાલતી હોય, ત્યાં એક વ્યક્તિના શ્વાસ-ઉચ્છ્વાસના ચક્રનું શું  ગજું? વિશ્વનું નિર્માણ મને કે તમને કેંદ્રમાં રાખીને કરાયું નથી. ચોમેર ઘૂઘવતા સુખને આપણે તો બસ, લૂંટતાં રહેવાનું છે. (સમુદ્રનાં ઘણાં નામ છે, પણ લૂંટવાની વાત હોવાથી કવિએ 'રત્નાકર'- રત્નોનો ભંડાર- નામ પસંદ કર્યું છે.)
'સમય સમયનું કામ કરે' એમ ન કહેતાં કવિ કહે છે, 'કાળ કાળનું કામ કરે', કારણ કે પછીની પંક્તિમાં મરવાની વાત આવવાની છે. મરવા-જીવવાની રમત્યું માંડે તેનું નામ મરજીવો. બુદ્ધને કોઈએ પૂછેલું,'મર્યા પછી મનુષ્યનું શું થાય?' બુદ્ધ બોલ્યા,'હું મર્યો નથી એટલે કહી ન શકું.' લોક-પરલોકની લપમાં ન પડતાં આપણે આજને માણી લેવાની છે. ખારા દરિયાની પડખે મીઠા વીરડા મળે છે. સૌમ્ય જોશી કહે છે તેમ સુખ અને દુ:ખ મા-જણ્યા ભાઈઓ છે.
'આવા દેવને દિવો કે ધૂપ શું દેવો દિલ દઈ દેવું રે'- કવિ પૂજાનો નહિ પણ ભક્તિનો મહિમા કરે છે.
સાંભળતાંવેંત મનમાં વસી જાય એવું આ ભજન છે. ના, એમાં મૌલિક વિચારો નથી. આ બધું ભારતીય દર્શનશાસ્ત્રમાં સદીઓથી કહેવાતું જ આવ્યું છે. છ યે અંતરાઓ પર ફરી નજર કરીએ: ૧: વિપત્તિઓ વચ્ચે સ્થિતપ્રજ્ઞ રહેવું. ૨: જાતસ્ય હિ ધ્રુવં મૃત્યુ, જન્મેલાનું મરણ નિશ્ચિત છે. ૩: સુખદુ:ખ મનમાં ન આણીએ ૪: માયાવાદ ૫: ભક્તિયોગ  ૬: કર્મયોગ

પરંતુ કાવ્યમાં વિચારથી વિશેષ મહત્ત્વ હોય છે અભિવ્યક્તિનું. આ રચનાનો લય સાફ છે,ભારેખમ વર્ણ કે શબ્દ પ્રયોજાયા નથી,  ભજનને કાજે અનુરૂપ એવા તળપદા લહેકા છે. 'રામ કૃપા અને રોજ દિવાળી રંગનાં ટાણાં રે'- આ પંક્તિ તો કહેવત બની શકે તેવી છે. અલગારી ભક્તિનો ભાવ ઘૂંટતું આ ભજન સમકાલીન હોવા છતાં મધ્યકાલીન લાગે છે.

-ઉદયન ઠક્કર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...