ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 5 માર્ચ, 2021

ગઢવી સમાજનું ગૌરવ: કચ્છના નાનકડા ગામની આ બંને દીકરીઓ દેશની સેવા કાજે બંદૂક ઉપાડશે

ગામડાની મહિલાઓ શહેરની મહિલા કરતા કોઇ કામમાં પાછળ નથી. આ કહાણીમાં તમે જાણશો કે કેવી રીતે બે દીકરીઓ BSFમાં સંઘર્ષ કરીને પહોંચી છે.
કચ્છમાં દીકરીઓને આપવામાં આવે છે અનોખી શિક્ષા

બે પરિવારની દીકરીઓ BSFમાં જવા ઇચ્છે છે

સંઘર્ષ કર્યા બાદ BSFમાં પહોંચવાનો રસ્તો મળ્યો

૨૧મી સદીના બે દાયકાઓ વીતી ગયા હોવા છતાં કચ્છનાં ગામડાંમાં રહેતી મહિલાઓને રૃઢિઓ અને પરંપરાઓને માન આપીને જીવવું પડે છે. તેમાં પણ જો મહિલા એકલી હોય તો સમાજ તેની દરેક હરકત પર બાજનજર રાખે છે. કન્યા કેળવણીનું પ્રમાણ પણ આવા જ કારણસર ઓછું છે. આવી સ્થિતિમાં કોઈ વિધવા કે છૂટાછેડા લીધેલી એકલનારી પોતાની દીકરીઓને સારામાં સારું ભણતર આપીને માત્ર પોતે જ નહીં, પણ આખો સમાજ તેના પર ગર્વ અનુભવી શકે તેવી કારકિર્દી ઘડવા પ્રોત્સાહિત કરે તે ખૂબ જ આશ્ચર્યજનક છતાં પ્રેરણાદાયી ઘટના છે.

બી.એસ.એફ.ની પરીક્ષામાં પાસ થઇ કચ્છની યુવતી

 કચ્છનાં ગામડાંની અનેક યુવતીઓ ભણે છે, આગળ પણ વધે છે, પરંતુ એકલી, અભણ માતાના આધારે રહેતી કોઈ યુવતી પોલીસ કે બી.એસ.એફ.માં ભરતી પામે તેની નવાઈ સૌને લાગે છે. સરહદી અબડાસા તાલુકાના નાનકડા ગામ તેરામાં રહેતી સેજલ ગઢવી છૂટાછેડા લીધેલાં દંપતીનું સંતાન છે. માતા અને એક બહેન સાથે રહીને મોટી થયેલી સેજલ આજે બી.એસ.એફ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે.

સેજલ વાત કરતાં કહે છે, મારી માતાએ ખૂબ જ મુશ્કેલી વેઠીને અમે બે બહેનોને મોટી કરી છે. હું નાની હતી ત્યારથી મારી માતા મને કહેતી, મને દીકરો હોત તો હું ચોક્કસ દેશની રક્ષા કાજે ફોજમાં મોકલત અને મારા નાના કહેતા, આ ગામમાં કોઈ છોકરી ભણી નથી એટલું ભણજે. અમને તારા પર ગર્વ થાય તેવું કામ કરજે. માને અને નાનાને જવાબ આપતાં હું કહેતી, હું તમે કહો છો તેટલું જરૃર ભણીશ. હું જ તમારો દીકરો છું. હું ફોજમાં જરૃર જઈશ. તમારા બંનેનાં સપનાં પૂરાં કરીશ. તેમની ઇચ્છા પૂરી કરવા માટે જ મેં બી.એસ.એફ. જોઇન કર્યું છે. અત્યારે તો હું તેની ટ્રેનિંગના કૉલની રાહ જોઉં છું, આ તો મારી મંજિલનો પહેલો મુકામ છે.

 ગાંધીનગરમાં આપીસળંગ ૪૮ કલાકની ટેસ્ટ

 મારે ખૂબ આગળ વધીને મારી માતાનાં સપનાંની પૂર્તિ કરવાની છે. તે પોતાની બી.એસ.એફ.ની પરીક્ષા અંગે વાત કરતાં કહે છે, સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવાતી આ પરીક્ષા આમ તો બહુ અઘરી હોય છે. અમને અમારા ગામના એક નિવૃત્ત ફોજી ભાઈએ મદદ કરી અને માર્ગદર્શન આપ્યું. ક્યા પુસ્તકો વાંચવા તેની સમજ આપી. હું તેમની સલાહ મુજબ ખૂબ વાંચવા લાગી. હું સવારે ૪ વાગે ઊઠીને વાંચતી, પછી ઘરનું કામ કરીને ફરી વાંચતી અને સાંજે સિલાઈ કામમાં મારી મમ્મીને મદદ કરતી. ત્યાર પછી ફિઝિકલ એક્ઝામ હતી. તેમાં ૧૬૦૦ મીટરનું અંતર દોડીને ૮ મિનિટમાં પૂરું કરવાનું હતું. આ માટે પ્રેક્ટિસની જરૃર હતી. હું અને મારા મમ્મી સવારના પાંચ વાગે મારા ગામ પાસેથી પસાર થતાં હાઈવે પર પહોંચી જતા. ત્યાં દોડવાનું શરૃ કરતી. લગભગ ૮ વાગ્યા સુધી દોડતી, તેવી જ રીતે સાંજના પણ હું પ્રેક્ટિસ કરતી. રોજના બધું મળીને ૧૬ કિ.મી. જેટલું દોડતી. ત્રણેક મહિનાની પ્રેક્ટિસના પરિણામે ૧૬૦૦ મીટરનું અંતર મેં માત્ર સાત મિનિટમાં જ કાપ્યું હતું. ત્યાર પછી મેડિકલની ટેસ્ટ પણ મેં સહેલાઈથી પાસ કરી હતી. આ ટેસ્ટ ગાંધીનગરમાં હતી. સળંગ ૪૮ કલાકની ટેસ્ટ હતી. મમ્મી મારી સાથે આવ્યાં હતાં, પરંતુ તેને તો ગેટની બહાર જ બેસવું પડ્યું હતું સતત બે દિવસ. હવે મારે ગ્વાલિયર, જમ્મુ કે સિલોન્ગમાં ટ્રેનિંગ માટે જવાનું થશે. હું જનરલ ડ્યૂટીને સબઇન્સ્પેક્ટર જનરલ ડ્યૂટીમાં સિલેક્ટ થઈ છું. મેં મારાં મમ્મી અને નાનાનું સપનું પૂરું કર્યું, તેનો મને ગર્વ છે. મારાં મમ્મીએ મારા માટે ખૂબ હાડમારી સહન કરી છે. તેથી તેનું સપનું હવે મારું બની ગયું છે.

સેજલના માતાએ કહ્યું- અમારા સમાજમાંદીકરા-દીકરીનો ભેદ નથી જોવાતો

સેજલનાં માતા વર્ષાબહેન પોતાની વાત કરતાં કહે છે, હું ૧૯ વર્ષની હતી અને મારા છૂટાછેડા થઈ ગયા હતા. જોકે ગઢવી સમાજની ઉજળી બાજુ એ પણ છે કે બાળઉછેરમાં દીકરા-દીકરીનો ભેદ જોવાતો નથી. દીકરી કે મહિલાને દેવી માનીને તેને આદર અપાય છે. આથી જ જ્યારે મારે એકલે હાથે, નાની ઉંમરે બે દીકરીઓનો ઉછેર કરવો પડ્યો ત્યારે મારા સગાઓએ અને સમાજે મને માનસિક સધિયારો આપ્યો હતો. જોકે ભણતરનું બહુ મહત્ત્વ નથી. હું માત્ર બે મહિનાની હતી ત્યારે મારી સગાઈ થઈ ગઈ અને ધો. ૧૦ની પરીક્ષાને માત્ર ૨૯ દિવસ બાકી હતા ત્યારે મારાં લગ્ન થઈ ગયાં અને ભણવાનું છૂટી ગયું. મેં મનમાં નક્કી કર્યું હતું કે મારે મારી દીકરીઓને દીકરાની જેમ જ ઉછેરવી, તેમને ભણાવવી અને સારી કારકિર્દી તેમને આપવી. આથી જ જ્યારે સેજલે એક દીકરાની જેમ રક્ષક દળમાં જોડાવાનું નક્કી કર્યું ત્યારે મને ખૂબ આનંદ થયો. દીકરી બી.એસ.એફ.માં નોકરી કરશે, તેથી તેનાં લગ્નમાં પણ વિઘ્ન આવશે. અત્યારે પણ તેના માંગા આવે છે, પરંતુ મારે લગ્ન માટે તેની કેરિયરથી તેને અલગ કરવી નથી. તેને તો હજુ ટ્રેનિંગ લેવાની પણ બાકી છે. આગળ ખૂબ લાંબો પંથ કાપવાનો બાકી છે.

1 ટિપ્પણી:

Featured Post

ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા સ્કોલરશીપ વિતરણ

ચારણ ગઢવી વિદ્યાર્થીઓ જોગ ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા સ્કોલરશીપ વિતરણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારણ ગઢવી સમાજનાં સ...